Gujarat

ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી

By GS TEAM
22 Sep 20252 mins read
ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી

- ફાયર એનઓસી મેળવવા માટે ખાનગી નવરાત્રી આયોજકોની દોડધામ 

- ફાયર વિભાગે તપાસ બાદ 5 આયોજકોને ફાયર એનઓસી આપ્યા 

ભાવનગર : રાજ્ય સરકારના નિયમ મુજબ દરેક ખાનગી નવરાત્રી આયોજકેને ફાયર એનઓસી લેવુ ફરજીયાત છે અને ફાયર એનઓસી વગર નવરાત્રી આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં તેથી ફાયર એનઓસી મેળવવા આયોજકોએ અરજી કરી હતી. મહાપાલિકાના ફાયર વિભાગે તપાસ બાદ કેટલાક આયોજકને ફાયર એનઓસી આપ્યા છે. 

ભાવનગર શહેરમાં દર વર્ષે નવરાત્રીના ખાનગી આયોજન થાય છે અને આ ખાનગી આયોજકોએ ફાયર એનઓસી લેવુ ફરજીયાત છે. શહેરમાં ૬ નવરાત્રી આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરી હતી, જેમાં એક આયોજન માત્ર બે દિવસનુ છે, જયારે નવરાત્રીના પાંચ આયોજન નવ દિવસ માટે છે. નવરાત્રી આયોજકોની અરજી આવ્યા બાદ મહાપાલિકાના ફાયર વિભાગે સ્થળ તપાસ કરી હતી. નિયમ મુજબ ફાયર સેફ્ટી છે કે નહીં ? વગેરે તપાસ કરી હતી તેમજ ફાયર સેફ્ટીમાં કંઈ ખુટતુ હોય તો યોગ્ય કરાવ્યા બાદ પાંચ આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવ્યા છે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના ચીફ ફાયર ઓફીસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. 

આવતીકાલ સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ફાયર એનઓસી મેળવવા આયોજકોની દોડધામ વધી હતી પરંતુ ફાયર એનઓસી મળી જતા આયોજકોને રાહત થઈ હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાયર વિભાગ વ્યસ્ત હતો 

ભાવનગર શહેરમાં ગત શનિવારે ભારતના વડાપ્રધાન આવ્યા હતા અને તેઓના કાર્યક્રમના પગલે ફાયર વિભાગ વ્યસ્ત હતો તેથી નવરાત્રી આયોજકોને ફાયર એનઓસી આપવાની કામગીરી થઈ શકી ન હતી તેથી આજે રવિવારે તપાસ બાદ ફાયર એનઓસી આપવાની કામગીરી કરવામાં આવી હોવાનુ સુત્રોએ જણાવેલ છે.