૬ મહિનાના બાળકને કોરોના થતા ઓક્સિજનના સપોર્ટ પર
બાળકના માતા - પિતાના રિપોર્ટ નેગેટિવ : ૨૪ કલાકમાં વધુ પાંચ પોઝિટિવ કેસ
વડોદરા,વડોદરામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા છે. જે પૈકી ૬ મહિનાના બાળકની તબિયત સારી નહી હોવાથી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
સતત વધતા જતા કોરોના કેસને ધ્યાને લઇ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૪ દર્દીઓના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેની સાથે વડોદરામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૨૨ થઇ ગઇ છે. જે પૈકી ૨૧ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે એક બાળકની તબિયત સારી નહીં હોઇ તકેદારીના ભાગરૃપે તેને સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનના સપોર્ટ પર દાખલ કરાયું છે. તેના માતા - પિતાના ટેસ્ટ કરવામાં આવતા બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજે નોંધાયેલા કેસ હરણી, મુજમહુડા, વારસિયા, અકોટા અને એકતા નગરમાં રિપોર્ટ થયા છે.