પેસેન્જર ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહનો જીવ બચાવાયો

- ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી 81 સિંહને ટ્રેનની અડફેટે આવતા બચ્યાં
- ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને સુરક્ષિત રીતે ટ્રેક પરથી હટાવ્યા બાદ ટ્રેન ગંતવ્ય સ્થાન તરફ રવાના થઈ
વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેન ગઈકાલે રવિવારે સાસણગીર-કાંસિયાનેર સેક્શન પરથી પસાર થઈ રહી હતી. ત્યારે રેલવે ટ્રેક ઉપર છ સિંહનું ટોળું જોવા મળતા ગાડીના લોકો પાયલટ અનીશ શેખ, સહાયક લોકો પાયલટ ફરમાન હુસૈને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક મારી ટ્રેનને રોકી દઈ ટ્રેન મેનેજર (ગાર્ડ) વિદ્યાનંદ કુમાર અને વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈએ સ્થળ પર પહોંચી તમામ સિંહને સુરક્ષિત રીતે ટ્રેક પરથી હટાવ્યા હતા. સ્થિતિ સામાન્ય જણાતા લોકો પાયલટે ટ્રેનને સાવધાનીપૂર્વક તેના ગંતવ્ય સ્થાને પહોંચાડી હતી.
ઉલ્લેખનિય છે કે, રેલવે અને ફોરેસ્ટ વિભાગના સંકલનથી ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૯ અને વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અત્યાર સુધી ૮૧ સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવવામાં આવ્યા છે.









