કંડારીથી કરજણ વચ્ચે નેશનલ હાઇવે પર 6 કિ.મી. ટ્રાફિકજામ
- ડાયવર્ઝન અને મોટા ખાડાના કારણે
- કરજણ હાઇવે પર વારંવાર ટ્રાફિકજામના કારણે વાહનચાલકો પરેશાન છતાં નક્કર કામગીરી થતી નથી
કરજણ તાલુકાના ને.હા.૪૮ પર આવેલ કંડારી ગામના પાટિયા પાસે બ્રિજની કામગીરીને લઈને વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે. પણ છેલ્લા બે ચાર દિવસથી કરજણ પંથકમાં પડી રહેલા વરસાદને પગલે આ ડાયવર્ઝન રોડ ઉપર અનેક નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને પગલે દિવસ દરમિયાન કોઇપણ કારણ વિના ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની રહી છે.
તકલાદી અને વેઠ ઉતારતી રોડ રસ્તાની તંત્રની કામગીરીના કારણે હજુ ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો પસાર થયા છે ત્યાં તો કરજણ તાલુકાના ને.હા.૪૮ પર કરજણથી જામ્બુવા સુધી પડેલા અનેક ખાડાઓની વણઝારથી વાહનચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યાં વળી કંડારી ગામના પાટિયા પાસેના ડાયવર્ઝન રોડ પર મોટો ખાડો પડતાં વાહનચાલકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતાં. રોડ ઉપર પડેલા ખાડાઓ તેમજ ભૂવો પડવાથી કંડારી ગામ પાસે હાઈવે ઉપર આજે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહનોની લાંબી કતારો જામી હતી. હાઈવે ઓથોરિટી દ્વારા નક્કર કામગીરી કરવાને બદલે ખાડાઓમાં કામચલાઉ કપચી નાખી દેતા વાહનચાલકોની મુશ્કેલીમાં તંત્રએ વધારો કરી આપ્યાની વાહન ચાલકોમાં બૂમો ઉઠી છે.