Gujarat

આજે બોળચોથ સાથે 6 દિવસની પર્વ શ્રુંખલાનો સૌરાષ્ટ્રમાં પ્રારંભ

By GS TEAM
11 Aug 20252 mins read
આજે બોળચોથ સાથે 6 દિવસની પર્વ શ્રુંખલાનો સૌરાષ્ટ્રમાં પ્રારંભ

લાખો મજુરો, વિદ્યાર્થીઓ સહિત વતન જવા રવાના, બસ-ટ્રેનમાં ભીડ  મેળાની મોજમાં ભંગાર રસ્તા, અતિ ભીડ-ટ્રાફિક જામ અને વરસાદ વિઘ્ન બની શકે છે પણ ઘરે પરંપરાગત ઉજવણીમાં કોઈ અવરોધ નહીં 

 રાજકોટ, : આવતીકાલે વિઘ્નહર્તા ગણપતિની સંકટચોથની સાથે ગુજરાતમાં સદીઓથી ગૌમાતાને સમર્પિત બોળ ચોથની ઉજવણી સાથે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના 6 દિવસની પર્વશ્રુંખલાનો પ્રારંભ થશે. આ સાથે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતથી આવેલા લાખો મજુરો તેમજ વિદ્યાર્થીઓ વગેરે વતન જવાની તૈયારીઓ સાથે રવાના થવા લાગ્યા છે જેના પગલે એસ.ટી.બસો અને ટ્રેનમાં ભીડમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો.

છ દિવસની પર્વશ્રુંખલામાં (1) આવતીકાલ તા. 12 મંગળવારે સંકટ ચતુર્થી-બોળ ચોથ (2) તા.૧૩ને બુધવારે નાગપાંચમનું પર્વ ઉજવાશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર નાગદેવતાની પૂજા કરાશે. (3) તા. 14ના રાંધણછઠના દિવસે ગૃહિણીઓ સદીઓની પરંપરામૂજબ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે અને રાત્રે ચૂલો ઠારશે (5) તા. 15 ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિવસ સાથે શીતળાસાતમ ઉજવાશે જેમાં સંતાનોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાજીના મંદિરોએ ભીડ ઉમટે છે અને ઘરે ઘરે ગૃહિણીઓ આ દિવસે ચૂલો ગરમ કરતા નથી. (6) તા. 16ને શનિવારે જન્માષ્ટમી નિમિત્તે ગામેગામ શોભાયાત્રા સાથે મુખ્ય પર્વ ઉજવાશે અને (7) તા. 17ને રવિવારે નંદ મહોત્સવ સાથે સાતમ આઠમ પર્વશ્રુંખલા પૂરી થશે. પરંતુ, આ વખતે તા. 18ના શ્રાવણી સોમવાર અને તા. 19ના અજા એકાદશી અને તા. 20ના જૈન પર્યુષણ પ્રારંભ થતો હોય એકંદરે ૯ દિવસ સુદી ધર્મોત્સવો રહેશે. 

સરકારી કચેરીઓમાં સત્તાવાર રજા તો તા.15, 16, 17 ત્રણ દિવસની છે પરંતુ, રજાભોગી કર્મચારીઓ આગળ પાછળની સી.એલ.મુકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેળાની મોજ માણવામાં, હરવા ફરવામાં ઠેરઠેર ભંગાર રસ્તા અને અસહ્ય ભીડ, ટ્રાફિક જામ અને સંભવતઃ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાતમ આઠમમાં મુશળધાર વરસાદથી મેળા સહિત કાર્યક્રમો રદ થયા હતા.