Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરનો બે વર્ષ પહેલા બ્રિજ તૂટી પડતા રાહદારીઓ માટે નદીના પટમાં 6 કરોડના ખર્ચે અગાઉ બે વાર ડાયવર્ઝન બનાવ્યું હતું. જોકે, પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન ધોવાય જતાં ફરીથી નવું ડાયવર્ઝન બનાવીને રાહદારી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પરંતુ તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, ડાયવર્ઝનની કામગીરીમાં લોખંડની કે પાકી પેરાફિટની જગ્યાએ વાંસ લગાવ્યા હોવાથી રાહદારીઓ પર જીવનું જોખમ વર્તાઈ રહ્યું છે.
અગાઉ 6 કરોડના ડાયવર્ઝન ધોવાયા છતાં તંત્ર ન સુધર્યું
છોટાઉદેપુરના પાવીજેતપુર પાસે ભરાજ નદી પરનો બ્રિજ બે વર્ષ પહેલા તૂટી પડ્યો હતો. આ પછી રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે પ્રથમ વખત 2.31 કરોડ રૂપિયાના ખર્ચે નદીના પટમાં ડાયવર્ઝન તૈયાર કરાયું હતું, જે પહેલા વરસાદમાં જ ધોવાયું ગયું હતું. જ્યારે બીજા વર્ષે ફરીથી રૂ.4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું, પરંતુ તે પાણીના પ્રવાહ સામે ટકી શક્યું નહીં. ત્યારબાદ હવે, ત્રીજી વખત નદી પટ પર ડાયવર્ઝન તૈયાર કરાયું છે, પરંતુ તેમાં કોન્ટ્રાક્ટર વેઠ ઉતારતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહદારીઓમાં સવાલ છે કે, આ કામગીરી બિલકૂલ તકલાદી છે, તે ટકશે કે કેમ?
ભારજ નદી પર ફરી 'વેઠ' ઉતારાઈ
એક રાહદારીએ કહ્યું કે, "કરોડોનો ખર્ચ કરી ડાયવર્ઝન તંત્ર દ્વારા બનાવવામાં આવે છે, તે ચોમાસા દરમિયાન તૂટી જતું હોય તો કેમ યુદ્ધના ધોરણે જે નેશનલ હાઈવે નંબર 56 ઉપરના બ્રિજનું કામ કરવામાં આવતું નથી. કેમ મંથર ગતિએ કામ ચાલે છે. તંત્રની બેદરકારીના ભોગ આજે પણ રાહદારીઓ બની રહ્યા છે. બે વર્ષ પહેલા જે બ્રિજ તૂટ્યો હતો, તે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડે છે. આ જ માર્ગ નર્મદા અને વડોદરા જિલ્લાને પણ જોડે છે. એટલે આ માર્ગ પરથી હજારોની સંખ્યામાં રાહદારીઓની અવરજવર રહે છે. ફરી એક વાર પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં બનાવેલા ડાયવર્ઝનને રાહદારીઓ માટે ખુલ્લો તો મૂકી દીધો છે. પરંતુ આ ડાયવર્ઝન ઉપર વિશ્વાંસ નથી."
કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, "કોન્ટ્રાકટર દ્વારા આ માર્ગ પર ડામર પાથર્યો કે નથી સેફ્ટી દિવાલ, વાંસ દ્વારા જે પેરાફિટ ઊભી કરવામાં આવી છે, તે રાહદારીઓ માટે અતિ જોખમકારક દેખાય છે. રાહદારીઓ જરા પણ ચૂક કરે તો નીચે પટકાય અને જીવ પણ જાય. પણ તંત્ર કે અધિકારીઓને જાણે લોકોની કાંઈ પડી હોય તેમ લાગતું નથી. પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઊડતી હોય રાત્રિના સમયમાં રાહદારીઓ માટે ખૂબ જોખમ જોવાઈ રહ્યું છે."
અન્ય એક રાહદારીએ જણાવ્યું કે, "અગાઉ બે વખત જે ડાયવર્ઝન બનાવાયા હતા. તેમાં પાણીના નિકાલ માટે 140 પાઇપો લગાવવામાં આવે હતી. હવે વેઠ ઉતારવાની પરાકાષ્ટા જુવો ફક્ત 6 પાઇપો નાખી છે. માટી અને રેતીથી બનાવેલો ડાયવર્ઝન ખુલ્લું મૂક્યો છે. અહીંથી અધિકારીઓ પસાર થાય છે. શું ભ્રષ્ટાચારનું આ ડાયવર્ઝન તેમના ધ્યાને આવતું નહીં હોય. 6 કરોડનો ખર્ચ ડાયવર્ઝન પાછળ કરવામાં આવ્યો પરંતુ વ્યર્થ છે અને આવનારા ચોમાસાના સમયમાં આ ડાયવર્ઝન ટકવાનું જ નથી. બે વર્ષથી વધુના સમયથી પુલ તૂટી ગયો છે, જેને લઈ સરકાર દ્વારા નવીન પૂલની મંજૂરી મળી પણ ગઈ છે. પણ જે કામગીરી કરવામાં આવી રહી છે, તે બિલકૂલ મંથર ગતિએ છે. જો પુલ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હોત તો કદાચ લોકોના ટેક્સના પૈસા પાણીમાં વહી ન ગયા હોત."


