વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલ છ શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 2.64 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તથા પોલીસ સ્ટેશનમાં જુગારની કાર્યવાહી દરમ્યાન નશાની હાલતમાં હોબાળો મચાવનાર કહેવાતા પત્રકારની પોલીસે પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.
શહેરના બકરાવાડીના આવેલ આઝાદ મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ગઈકાલે રાત્રે 8: 20 કલાકે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં અલ્તાફહુસેન ઉર્ફે પેંડો ચાંદમીયા શેખ (મુસ્લિમ મહોલ્લો ,નવાપુરા), અભય કમલેશભાઈ ચુનારા, કમલ સુરેશભાઈ ચુનારા, અજય ઉર્ફે ચીનો વસંતભાઈ ચુનારા, સાગર વિજયભાઈ ચુનારા (તમામ રહે- ચુનારાવાસ, બકરાવાડી) અને મુકેશ પાનાચંદ મકવાણા (નાડિપંચની ચાલી, બકરાવાડી)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન જમીન દાવ પરના રૂ. 22 હજાર , અંગઝડતીના રૂ. 26,670, ૩ મોબાઈલ ફોન, ૩ મોપેડ સહિત કુલ રૂ. 2,64,170નો મુદ્દામાલ કબ્જે કરી તમામની જુગાર ધારા હેઠળ અટકાયત કરી હતી. નવાપુરા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની કાર્યવાહી ચાલી રહી હતી, તે વખતે એક શખ્સે પોતે ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારની ઓળખ આપી 'હું પત્રકાર છું, તમે નિર્દોષ લોકોને લઈ આવ્યા છો, જુગારના બનાવમાં તમામને છોડી દો' તેમ કહી હોબાળો મચાવ્યો હતો. સામે પોલીસનું કહેવું હતું કે, "અમે જુગાર રમતા હતા તે લોકોને લઈ આવી કાર્યવાહી કરી રહ્યા છે". દરમ્યાન શખ્સનું કહેવું હતું કે, "હું દારૂ પીધેલ છું, તમારે મારી સામે કેસ કરવો હોય તો કેસ કરી દો, પરંતુ તે લોકોને છોડી દો". જેથી પોલીસે શખ્સને બ્રિથ એનેલાઇઝરથી ચેક કરતા તેણે ખરેખર નશો કર્યો હોવાનું જણાતા પોલીસે વિરાજ શૈલેષકુમાર ભટ્ટ (રહે- ઘડીયાળી પોળ, વાડી )ની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

