નાનપુરા માછીવાડમાં છેડતીની અદાવતમાં યુવાનની હત્યાની ઘટનામાં 6 ની ધરપકડ
છેડતી કરનાર બે ભાઇ વિરૂધ્ધ પોલીસમાં અરજી થતા અદાવતમાં હુમલા બાદ હોડી મહોલ્નીલાવાસીઓએ વળતો હુમલો કર્યો હતો
સુરત તા. 23 જુલાઇ 2020 ગુરૂવાર
નાનપુરા માછીવાડના હોડી મહોલ્લોમાં છેડતી બાબતે પોલીસમાં કરવામાં આવેલી અરજીની અદાવતમાં બે માથાભારે યુવાનોએ અરજી કરનાર વિરૂધ્ધ ચપ્પુથી હુમલો કર્યો હતો. સામે પક્ષે અરજી કરનાર મહોલ્લાવાસીઓએ એક સંપ થઇ વળતો હુમલો કરતા બે પૈકી એક માથાભારે યુવાનનું મોત થવાની ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસે 6 જણાની ધરપકડ કરી છે.
નાનપુરા માછીવાડના હોડી મહોલ્લોમાં સ્થાનિક વિસ્તારના માથાભારે સંદીપ ઉર્ફે બાડો જશવંત ખેરાવાલા (ઉ.વ. 31) અને તેના ભાઈ વિપુલ ખેરાવાલાએ દોઢ મહિના અગાઉ છોકરીની છેડતી કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસમાં અરજી કરી હોવાની અદાવતમાં સંદીપ અને તેના મિત્ર હિરેન નરેશ બાબરીયા (ઉ.વ. 26) એ ચાર દિવસ અગાઉ રાત્રીના સમયે હોડી મહોલ્લામાં રહેતા નિરંજન ભીમપોરીયા સહિત બેથી ત્રણ જણા પર ચપ્પુ વડે હુમલો કરી નિરંજનને છાતીમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું.
બીજી તરફ મહોલ્લાવાસીઓ એક સંપ થઇ સંદીપ અને હિરેન પર ચપ્પુ વડે વળતો હુમલો કર્યો હતો. જેમાં સંદીપનું મોત થયું હતું જયારે હિરેનને છાતીમાં ચપ્પુ વાગ્યું હતું. માથાભારે સંદીપની હત્યાની ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસે અરૂણ ઉર્ફે બબન ઈશ્વર ભાવનગરીવાલા (ઉ.વ.40), હેની ચેતન કહાર (ઉ.વ.23), તેજશ ઉર્ફે ભુરી ચેતન કહાર (ઉ.વ. 22) મેહુલ ઉર્ફે મયા કાંતી બંબાવાલા (ઉ.વ.35), ઉમંગ ભગવાન ભીમપોરીયા (ઉ.વ.25), મેહુલ ઉર્ફે ગબ્બર ચંદ્રકાંત બોરસલ્લીવાલા (ઉ.વ.33 તમામ રહે. હોડી મહોલ્લો, નાનપુરા-માછીવાડ) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.