Gujarat

મગોડી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૬.૫૦ લાખની ચોરી

By GS TEAM
15 Jun 20252 mins read
મગોડી ગામમાં બંધ મકાનનું તાળું તોડી ૬.૫૦ લાખની ચોરી

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

પરિવાર મકાન બંધ કરીને અમદાવાદ ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના : પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે મગોડી ગામમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને ૬.૫૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા જે ઘટના અંગે હાલ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

મગોડી ખાતે આવેલા એસઆરપી ક્વાર્ટરમાં એક જ રાતમાં સાત બંધ મકાનના તાળા તોડવામાં આવ્યા હતા ત્યારે ફરીવાર તસ્કરોએ મગોડી ગામને નિશાન બનાવ્યું છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે મગોડી ગામમાં રહેતા પંકજકુમાર આદીતરામ પટેલ ખાનગી દવાખાનામાં નોકરી કરવાની સાથે ખેતી કામ પણ કરે છે. તેમનો પુત્ર અમદાવાદ ખાતે રહેતો હોવાથી દર શનિ રવિ તેઓ મકાન બંધ કરીને અમદાવાદ ખાતે જાય છે. ગત શુક્રવારના રોજ તેમણે તેમની પત્ની અને માતાને અમદાવાદ પુત્રના ઘરે મોકલ્યા હતા અને ગઈકાલે બપોરે તેઓ તેમનું ઘર બંધ કરીને અમદાવાદ ગયા હતા. આ દરમિયાન આજે સવારના સમયે તેમના ભાઈએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના મકાનનું તાળું તૂટેલું છે. જેના પગલે પંકજભાઈ પરિવાર સાથે મગોડીના ઘરે આવી ગયા હતા અને જોયું તો ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરની અંદર રાખેલી તિજોરી પણ તોડેલી હતી અને તેનો સામાન બહાર ફેંકાયેલો હતો. જેમાંથી ૫.૫૦ લાખ રૃપિયા રોકડા અને એક લાખ રૃપિયાના દાગીના મળી ૬.૫૦ લાખ રૃપિયાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

જેથી આ ઘટના સંદર્ભે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. અગાઉ થયેલી ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલાયો નથી ત્યારે આ ચોરીનો ભેદ પોલીસ ક્યારે ઉકેલાય છે તે જોવું રહ્યું.