કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે ખાવડામાં ૪.૩નો ધરતીકંપ
- આજથી ઠંડી ઘટશે, ઉત્તર ગુજરાતમાં તા.૨ના વરસાદની આગાહી
- કચ્છના ખાવડાથી ૨૬ કિ.મી.ના અંતરે સાધરા નજીક જમીનથી ૨ કિ.મી.ની ઉંડાઈએ કેન્દ્રબિંદુ નોંધાયું છે
રાજકોટ,તા. 30 ડિેસેમ્બર 2020, બુધવાર
કચ્છમાં ત્રણ દિવસથી કોલ્ડવેવ વચ્ચે આજે ખાવડા પાસે કચ્છના રણ નજીક ૪.૩ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં આજે કડકડતી ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે પરંતુ, આવતીકાલથી તેમાં રાહત મળવાની શક્યતા છે. આ સાથે બે દિવસ પછી આંશિક વાદળો છવાવા સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. . આ ઉપરાંત ભચાઉ પાસે પણ ૨.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને ગઈકાલે નવસારી પાસે પણ ૧.૪ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં જે ભૂકંપ આવ્યા છે અને આવી રહ્યા તે અન્વયે તજજ્ઞાો વોટર ટેબલમાં ફેરફારનું કારણ આપે છે પરંતુ, કચ્છમાં પહેલેથી જ ભૂકંપની મોટી ફોલ્ટલાઈન સક્રિય છે. ભૂજ,કંડલા,નલિયામાં ૯-૧૦ સે.તાપમાને કડકડતી ઠંડી જારી રહી હતી.
સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર,જુનાગઢમાં કોલ્ડવેવ જારી રહ્યો હતો. સૌથી વધુ ઠંડી નલિયા કે રાજકોટમાં નહીં પણ જુનાગઢ જિલ્લાના કેશોદમાં ૭.૨ સે. નોંધાયેલ છે. જ્યારે નલિયામાં ગઈકાલે ૨.૭ સે.તાપમાન આજે એક દિવસમાં જ આશરે ૭ સે.વધીને ૯.૧ નોંધાયું હતું. રાજકોટ ૯.૨, કંડલા એરપોર્ટ ૯.૧, જુનાગઢ ૧૦.૫, મહુવા ૧૦.૩, અમરેલી ૧૦.૨, ભાવનગર ૧૧.૪, પોરબંદર ૧૧, દ્વારકા ૧૪, વેરાવળમાં ૧૦.૯ સે. તાપમાને તીવ્ર ઠંડી અનુભવાઈ હતી.
પરંતુ, હવામાન ખાતા અનુસાર આવતીકાલથી ત્રણેક દિવસ સુધી તાપમાનમં ૩થી ૫ સે.નો વધારો થવાની એટલે કે ઠંડી ઘટવાની શક્યતા છે. તો બે દિવસ પછી આકાશમાં અંશત: વાદળો દેખાય તેવી શક્યતા સાથે ઉત્તરગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ વગેરે વિસ્તારમાં કમોસમી માવઠાંની આગાહી છે.