જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારો અને તોડફોડ કરનાર ૫૬ તોફાની ઝડપાયા
ટોળાની ઉશ્કેરણી કરનાર ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવતી પોલીસ
વડોદરા,ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના મુદ્દે શુક્રવારની રાતે ટોળાએ સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. ત્યારબાદ ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઇ તોડફોડ કરી હતી. આ ગુનામાં પોલીસે બે સગીર સહિત ૫૬ ને ઝડપી પાડયા છે. ટોળાની ઉશ્કેરણી કરનાર ત્રણ આરોપીઓના પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
જૂનીગઢી વિસ્તારમાં રહેતા ગોલુ કહાર નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકી હતી. જેના પગલે પાણીગેટ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઇ હતી. આ અંગે ફરિયાદ કરવા કેટલાક લોકો સિટિ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોતજોતામાં લોકો મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા હતા. પોલીસ અને સમાજના આગેવાનો ટોળાને સમજાવવાની કોશિશ કરતા હતા. પરંતુ, પ્રેસમાં કામ કરતા યુવક સહિત ત્રણ જણાએ ટોળાની ઉશ્કેરણી કરતા ટોળું ઉશ્કેરાયું હતું. નારેબાજી કરી ટોળું જૂનીગઢી તરફ ધસી ગયું હતું. મકાનો પર પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરી ટોળાએ નવરાત્રિના પંડાલને પણ નુકસાન પહોંચાડયું હતું. પોલીસે આ ગુનામાં બે સગીર સહિત કુલ ૫૬ ને ઝડપી પાડયા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ટોળાની ઉશ્કેરણી કરનાર (૧) મો.જુબેર મો.સફી મેમણ, ઉં.વ.૪૭ (રહે. કાદરીયા એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, આજવા રોડ) (૨) મોહંમદતૌફીક મોહંમદહુસેન શેખ, ઉં.વ.૨૮ (રહે. ભાંડવાડા, ફતેપુરા) તથા (૩) અબ્બાસઅલી ઇલ્યાસ સૈયદ (રહે. હુસેની ચોક, નાલબંધવાડા, વાડી) ને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવવા રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે, નવરાત્રિના તહેવાર દરમિયાન પંડાલને નુકસાન કરી અમારી ધાર્મિક લાગણી દુભાવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ. તેમજ નવરાત્રિ દરમિયાન કોમ્બિંગ અને પેટ્રોલિંગની પણ માંગણી કરવામાં આવી છે.
કોમી શાંતિ ડહોળવા પાછળ દોરી સંચાર કરનાર તત્વોની શોધખોળ
વડોદરા,
પોલીસે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ટોળાને સમજાવવા છતાંય તોફાન કર્યુ હતું. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ કરવાની છે. સગીર બાળકોને આવું કૃત્ય કરવા માટે કોણે ઉશ્કેરણી કરી કોણે દોરીસંચાર કર્યો તેની તપાસ કરવાની છે.તહેવારમાં કોમી શાંતિ ડહોળવા માટે કોણે પીઠબળ પૂરૃં પાડયું. તે અંગે તપાસ કરવાની છે. આ બનાવની જેમ અન્ય પણ અતિ ગંભીર બનાવ થવાની ખાનગી માહિતી મળી છે. જે અંગે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવી જરૃરી છે. આરોપીઓની આવકના સ્ત્રોતની તપાસ કરવાની છે.
ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરનાર આરોપી જેલમાં
વડોદરા,
કોમી શાંતિ ડહોળવા પાછળ જે પોસ્ટ જવાબદાર હતી. તે પોસ્ટ અપલોડ કરનાર પાર્થ ઉર્ફે ગોલુ જગદીશભાઇ કહાર (રહે. જૂનીગઢી, પાણીગેટ) ની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ, તેના મોબાઇલમાં અન્ય કોઇ વિવાદીત પોસ્ટ મળી નથી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ટોળાની ઉશ્કેરણી કરનાર આરોપી સામે ૭ ગુનાઓ નોંધાયા છે
વડોદરા,
ટોળાની ઉશ્કેરણી કરનાર આરોપી જુબેર મેમણ સામે અગાઉ પણ ખૂનની કોશિશ, મારામારી, આર્મ્સ એક્ટ સહિતના ૭ ગુનાઓ દાખલ થયા છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય આરોપી જુનેદઅહેમદ અબ્દુલરહેમાન શેખ સામે અગાઉ ખંડણી અને જુગારના બે ગુના નોંધાયા છે. ઇરફાન ઇબ્રાહિમ શેખ સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે.