75000 ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે 55 લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે
Gujarat Food Distribution Scandal: સરકારી યોજના પણ ચૂંટણી જીતવા માટેનું માધ્યમ બની રહ્યું છે. ભાજપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ભરપૂર લાભ મેળવ્યો છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચીને રાજ્ય સરકારે વાહવાહી મેળવવામાં જરાય કસર છોડી નથી. હવે જ્યારે ગુજરાતમાં અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે તે વાત બહાર આવી છે, ત્યારે સરકારને રેશન કાર્ડ રદ કરવાનો તુક્કો સુઝ્યો છે. મહત્ત્વની વાત તો એછેકે, 75 હજાર ટન મફત અનાજ વહેંચ્યા પછી રાજ્ય સરકારને ખબર પડી કે, ભૂતિયા અને શંકાસ્પદ પરિવારો મફત ઘઉં-ચોખા અને બાજરી લઈ ગયા છે.
મફત અનાજ યોજનામાં ગેરરીતિ
ખુદ ગુજરાત સરકારે જ સ્વીકાર્યું છેકે, જમીનદારો, કંપનીના ડાયરેક્ટર જ નહીં, ઈન્કમટેક્સ ભરનારાં મફત અનાજનો લાભ લઈ રહ્યા છે. 3.17 લાખ જમીન ધરાવનારાં લોકો રેશનકાર્ડ આધારે મફત 35 કિલો અનાજ મેળવી રહ્યાં છે. 2 હજાર કાર્ડધારકો તો એવા છે જે 25 લાખનું ટર્નઓવર ધરાવે છે છતાં મફત ઘઉં-ચોખા મેળવે છે. સવાલ એછેકે, પાત્રતાના માપદંડમાં બંધ બેસતા ન હોવા છતાંય એનએફએસનું કાર્ડ ધરાવતાં લોકોની સંખ્યા ઘણી મોટી છે.
ગરીબી વધી કે સરકારી આંકડાઓની પોલ ખૂલી?
રાજ્યમાં અત્યારે 3.60 કરોડ એનએફએસનું કાર્ડ ધરાવે છે જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફત ઘઉં, ચોખા અને બાજરી મેળવે છે. વિધાનસભામાં સરકારે એ વાતની કબૂલાત કરીકે, વર્ષ 2024-25માં અન્ન પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકોને 75,335 ટન મફત અનાજ વહેચ્યુ હતું. સરકારે મફત અનાજ વહેંચીને ગરીબોની ભરપૂર સહાનુભૂતિ તો મેળવી લીધી પણ હવે જ્યારે એ વાત બહાર આવી છેકે, ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. ત્રણ કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર છે ત્યારે ગુજરાતનો વિકાસનો ફુગ્ગો ફુટ્યો છે. મફત અનાજ જ સરકારની પોલ છતી કરી છે. આ જોતાં હવે સરકારે શંકાસ્પદ અને ભુતિયા કાર્ડ રદ કરવાનો તુક્કો શોધી કાઢ્યો છે.
મફત અનાજ યોજનામાં ભ્રષ્ટાચાર: 55 લાખ શંકાસ્પદ કાર્ડ અને સરકારી બેદરકારી
75 હજાર ટન મફત અનાજ વહેચ્યાં પછી સરકારને ખબર પડી કે, ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ કાર્ડ છે. પણ સવાલ એછેકે, આ લાખો શંકાસ્પદ-ભૂતિયા કાર્ડ કયા દસ્તાવેજો આધારે કાઢી અપાયા?, એટલુ જ નહીંં અન્ન પુરવઠા વિભાગના કર્મચારીઓએ લાખો ભૂતિયા કાર્ડ કાઢી આપ્યાં તો તેમની સામે કાર્યવાહી કેમ કરાઈ નહીંં. 55 લાખ શંકાસ્પદ કાર્ડધારકોનું અનાજ બારોબાર કોણ લઈ ગયુ. આ બધી તપાસ કરવામાં સરકારને કેમ રસ નથી?
આ પણ વાંચો: બેરોજગારીએ હદ વટાવી, તલાટીની 2384 જગ્યા સામે 2.95 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા
કોરોના વખતે પણ મફત અનાજ વહેંચીને ભાજપે રાજકીય લાભ મેળવી લીધો. હવે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પુરી થઈ છે ત્યારે સરકારે મકાન, વાહન, ફ્રીઝ સહિતની સુવિધાના નામે મફત અનાજ બંધ કરવાનુ શરૂ કર્યુ છે. ટૂંકમાં, ગરજ સરીને, વૈદ વેરી જેવો ઘાટ સર્જાયો છે.