ભાજીપુરાથી ધોળાકુવા સર્વિસ રોડ પર લારી-ગલ્લાના ૫૪ દબાણો હટાવ્યા

હિટ એન્ડ રનની ઘટના બાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ
દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે દુકાનો બહાર પેટા ભાડે આપવામાં આવેલા કેબિન જપ્ત કરી લીધા
ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા ત્યારે મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ સવસ રોડ ઉપર લારી ગલ્લાના ૫૪ જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે અને માર્ગને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. અવાર-નવાર હવે અહીં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
ગત શુક્રવારે ગાંધીનગર કોબા હાઇવે ઉપર રાંદેસણના સવસ રોડ
ઉપર નબીરા હિતેશ પટેલ દ્વારા રોકેટગતીએ કાર દોડાવીને બે વ્યક્તિઓને મોતને ઘાટ
ઉતારી દીધા હતા ત્યારે આ ઘટના બાદ મહાનગરપાલિકા તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે, આ સવસ રોડ ઉપર
દબાણને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે
મહાનગરપાલિકાના દક્ષિણ વિભાગ દ્વારા આ સવસ રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૃ
કરવામાં આવી હતી અને ભયજીપુરાથી લઈ ધોળાકુવા સુધીના સવસ રોડ ઉપર લારી ગલ્લાના ૫૪
જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ દબાણો પૈકી ૧૭ જેટલા દબાણો એવા
હતા કે જે કોમ્પ્લેક્સ બહાર વોકવેની જગ્યા ઉપર દુકાનદારો દ્વારા પેટા ભાડે આપી
દેવામાં આવ્યા હતા. આ કેબિનો મારફતે ખાણીપીણીનું વેચાણ થતું હતું અને માર્ગ ઉપર
વાહનો પાર્ક થવાને કારણે અહીં સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો
હતો. આ દબાણો હટાવ્યા બાદ હવે અહીં એસ્ટેટ શાખા દ્વારા રોજિંદુ પેટ્રોલિંગ કરવા
માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. જેથી કરીને ફરીવાર અહીં દબાણો થાય નહીં. હાલ
અહીં કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીને કારણે સ્થાનિક વેપારીઓને રહીશોમાં હાશકારો
જોવા મળી રહ્યો છે.








