આણંદ જિલ્લામાં 3 વર્ષમાં 52,697 લોકોને શ્વાન કરડયા
- અન્ય પ્રાણી કરડવાના 1,723 કેસ નોંધાયા
- 2023 ની સરખામણીએ 2024 માં શ્વાન કરડવાના 7,198 અને અન્ય પ્રાણીના 187 કેસ વધુ
હડકવા એટલે લિસા વાયરસ કૂતરા, બિલાડી અને વાંદરાઓ જેવા પ્રાણી કરડવાથી માણસોના શરીરમાં પ્રવેશી મગજની બળતરાનું કારણ બને છે. દર વર્ષે વિશ્વભરમાં હડકવાના કારણે અંદાજે ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ માનવ મૃત્યુ થાય છે. હડકવાથી થતા મૃત્યુના આંકડાઓ પર વિચાર કરીએ તો ભારતમાં દર વર્ષે લગભગ ૨૦,૦૦૦ લોકો આ કારણોસર જીવ ગુમાવે છે. જ્યારે અન્ય દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં આ આંકડો ૬૫ ટકા સુધી છે. આણંદ જિલ્લામાં ૨૦૨૩થી ૨૦૨૫ સુધી કૂતરા કરડવાના ૫૨,૬૯૭ કેસ અને અન્ય પ્રાણી કરડવાના ૧૭૨૩ કેસ નોંધાયા છે. તેમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં શ્વાન કરડવાના કેસમાં ૭,૧૯૮નો અને અન્ય પ્રાણી કરડવાના કેસમાં ૧૮૭નો વધારો થયો હતો.
એકવાર આ વાયરસની અસર મગજમાં પહોંચી જાય તો તેની સારવાર શક્ય નથી. આ સ્થિતિમાં પીડિતનું બચવું પણ શક્ય નથી. તબીબોના મતે, જો ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાના ૮થી ૧૦ દિવસમાં એન્ટિ-રેબીઝ રસી સહિતની જરૂરી સારવાર આપવામાં ના આવે તો તેની અસર મગજ સુધી પહોંચે છે અને કરડનાર પ્રાણી અને પીડિત બંનેનું મૃત્યુ થઈ શકે છે. તેથી, તેને ગંભીર અને જીવલેણ રોગોની શ્રેણીમાં રાખવામાં આવે છે.
પ્રાણીમાં હડકવાના લક્ષણો જણાય તો તરત જ નજીકના સરકારી હોસ્પિટલ અને વેટરનરી ડોકટરને જાણ કરવી, હડકવાના શંકાસ્પદ મરણ થયેલ પ્રાણીનો વેટરનરી ડોકટરની સલાહ મુજબ બાળી અથવા દાટીને નિકાલ કરવો, પ્રાણીઓની સાર-સંભાળ કરતા લોકોએ પણ હડકવા ના થાય તે માટે હડકવાની રસીના ડોઝ અવશ્ય લેવા જોઈએ તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.