Gujarat

ભાવનગર મનપામાં 25 દિવસમાં 51 વેપારીએ વ્યવસાય વેરો ભર્યો

By GS TEAM
25 Jun 20252 mins read
ભાવનગર મનપામાં 25 દિવસમાં 51 વેપારીએ વ્યવસાય વેરો ભર્યો

- મહાપાલિકાના ઠરાવ બાદ વ્યાજની રકમ ફ્રિઝ કરવાનું શરૂ

- કુલ રૂા. 18.13 લાખના વ્યવસાય વેરા સામે રૂા. 9.46 લાખ મુદ્દલ સ્વીકારવામાં આવી, રૂા. 8.67 લાખ વ્યાજની રકમ ફ્રિઝ કરાઈ 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાએ વ્યવસાય વેરો સ્વિકારવાની કામગીરી હાથ ધરી છે, જેમાં મહાપાલિકાની સાધારણ સભામાં ઠરાવ કર્યા મુજબ મુદ્દલ રકમ લેવામાં આવી રહી છે અને વ્યાજની રકમ ફ્રિઝ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર વ્યાજ માફીની સ્કિમ લાવશે ત્યારે ફ્રિઝ રકમ માફ કરાશે, જો સરકાર સ્કીમ નહીં લાવે તો વેપારીઓએ વ્યાજની રકમ પણ ભરવી પડશે. 

મહાપાલિકા દ્વારા વ્યવસાય વેરો લેવાની કામગીરી શરૂ છે પરંતુ ઘણા વેપારીઓએ અગાઉનો વ્યવસાય વેરો ભર્યો નથી તેથી મુદ્દલ સાથે વ્યાજની રકમ પણ મોડી છે તેથી વેપારીઓને રાહત આપવા મહાપાલિકાની સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં મહાપાલિકા હાલ વ્યવસાય વેરાની મુદ્દલ રકમ લેશે અને વ્યાજની રકમ ફ્રિઝ કરાશે, જયારે રાજ્ય સરકાર વ્યાજ માફીની સ્કીમ લાવશે ત્યારે ફ્રિઝ રકમ માફ કરાશે પરંતુ રાજ્ય સરકાર એક વર્ષમાં વ્યાજ માફીની સ્કીમ નહીં લાવે તો વેપારીઓએ પુરી રકમ ભરવી પડશે તેમ જાણવા મળ્યું છે. આ ઠરાવ થયા બાદ ગત તા. ૩૧ મેથી તા. ર૪ જૂન સુધીમાં પ૧ વેપારીઓએ વ્યવસાય વેરો ભર્યો છે, જ કુલ રૂા. ૧૮,૧૩,૮૩૧ થાય છે પરંતુ મહાપાલિકાએ હાલ વ્યવસાય વેરાની મુદ્દલ  પેટે રૂા. ૯,૪૬,૦૭૮ રકમ સ્વીકારી છે. જયારરૂા. ૮,૬૭,૭પર વ્યાજની રકમ ફ્રિઝ કરી છે. આ મામલે વ્યવસાય વેરા વિભાગ દ્વારા વેપારીઓ પાસે ફોર્મ ભરાવી સહમતી લેવામાં પણ આવી રહી છે. આ ઠરાવના કારણે હાલ વેપારીઓને વ્યાજની રકમ ન ભરવાની હોવાથી રાહત થઈ છે તેથી કેટલાક વેપારીઓ લાભ લઈ રહ્યા છે.આ યોજનાનો કેટલા વેપારીઓ લાભ લે છે ? તેની રાહ જોવી જ રહી.