For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ફોનલાઈનથી ઓનલાઈન' બનેલા ક્રિકેટ સટ્ટામાં 10 વર્ષમાં જ 500 ગણો વધારો

Updated: Apr 2nd, 2024

'ફોનલાઈનથી ઓનલાઈન' બનેલા ક્રિકેટ સટ્ટામાં 10 વર્ષમાં જ 500 ગણો વધારો

Cricket betting: હવે, ક્રિકેટ અને સટ્ટાનો સાથ ચોલી-દામન જેવો છે. ટ્વેન્ટી-20-20ના ફટાફટ ક્રિકેટ સાથે ફટાફટ સટ્ટાની બોલબાલા વધવા સાથે છેલ્લા 10 વર્ષમાં અકલ્પનિય બદલાવ આવ્યો છે. એક સમય હતો કે જ્યારે ક્રિકેટ સટ્ટો લેન્ડલાઈન ફોન ઉપર જ રમાતો હતો. બુકીઓ રેડિયો કોમેન્ટ્રી આધારે સટ્ટાના ભાવ નક્કી કરતાં હતાં અને કોઈ રહેણાંક કે ઓફિસમાં લેન્ડલાઈન ફોનની લાઈનો ઉપર નિશ્ચિત સટ્ટાશોખિનો માટે જ સટ્ટો બુક કરતાં હતાં. મેચ સમયે અને સિરિઝ પત્યા પછી શહેરના નિશ્ચિત સ્થળોએ એકત્ર થતાં અને હિસાબ કરતાં બુકીઓ પણ હવે સંપૂર્ણ ઓનલાઈન થઈ ગયાં છે. 

સટ્ટામાં 10 જ વર્ષમાં 500 ગણો વધારો થયો

વિતેલા 40 વર્ષથી ભારત બદલ્યું તે સાથે જ સટ્ટો પણ બદલ્યો છે. લેન્ડલાઈનથી ઓનલાઈન બનેલાં સટ્ટામાં 10 જ વર્ષમાં 500 ગણો વધારો થયો છે. અમદાવાદના જાણકાર બુકીઓ કહે છે કે, 2014માં કલગી યુગ ખતમ થયો તે સમયગાળો ઓનલાઈન સટ્ટાના આરંભનો હતો. આ પછી સતત બદલાવ વચ્ચે હાલમાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી ક્રિકેટ સટ્ટો અનલિમિટેડ બની ગયો છે. એક સમયે અમદાવાદ અને મુંબઈના બુકીઓની સટ્ટા બજારમાં બુમ હતી. એ અરસામાં પણ સટ્ટાનું સંચાલન દુબઈ અને પાકિસ્તાનથી થતું હતું તેમ જુના બુકી અંદરખાને સ્વિકારે છે. 

ક્રિકેટ સટ્ટાનું વાર્ષિક ટર્નઓવર 3 લાખ કરોડથી વધુનો અંદાજ

નવી ટેકનોલોજી સાથે ઈલેક્ટ્રોનિક બની ચૂકેલા સટ્ટામાં કેટલી એપ્લિકેશનો છે તેનો હિસાબ માંડવો જ મુશ્કેલ છે. તો, કેટલા રમનારાં હશે તે બાબત તો આભમાં તારા ગણવા જેવી છે. છતાં, બુકી બજાર કહે છે કે, આઈપીએલની દરેક મેચ ઉપર 500 કરોડથી વધુનો સટ્ટો રમાય છે અને ભારતમાં ક્રિકેટ સટ્ટાનું વાર્ષિક ટર્નઓવર 3 લાખ કરોડથી વધુનું અંદાજવામાં આવે છે. અબજો રૂપિયાના ખેલવાળા સટ્ટાબજારની અમુક જુની વાતો પણ મજાની છે.

પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ 1844 પછી રમાઈ હતી

ભારતમાં અંગ્રેજો આવ્યાં ને 1721ના અરસામાં ક્રિકેટ લાવ્યાં હતાં તેવું ઈતિહાસ કહે છે. જો કે, પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ 1844 પછી રમાઈ હતી. ભારતમાં અંગ્રેજો, ક્રિકેટ અને રજવાડાના વખતમાં ક્રિકેટની પણ અનેક કહાનીઓ છે. પરંતુ, ભારતમાં પહેલી ટેસ્ટ મેચ 1932માં રમાઈ હતી. પણ ભારતમાં ક્રિકેટ સટ્ટાની  આયોજનપૂર્વકની શરૂઆત 1950 પછી થઈ હોવાનું બૂકી બજારના સૂત્રો ટાંકે છે. એ સમયે ગુજરાત અને મુંબઈ ક્રિકેટ સટ્ટાના મુખ્ય કેન્દ્ર હતાં. એ સમય એ હતો કે જ્યારે, ક્રિકેટ સ્કોરની જાણકારી માટે રેડિયોને આધિન રહેવું પડતું હતું. ભારત કે પાકિસ્તાનમાં મેચ હોય તો ઓલ ઈન્ડિયા રેડિયો, ઈંગ્લેન્ડમાં હોય તો બીબીસી પકડવું પડતું, ઓસ્ટ્રેલિયા સ્ટેશન ઉપર પણ રનિંગ કોમેન્ટ્રી આવતી હતી. બુકીઓ આ રીતે ટેસ્ટ મેચ ક્રિકેટના સ્કોર જાણતાં હતાં અને સટ્ટો રમાડતાં હતાં. સટ્ટો રમનારાં નિશ્ચિત સંખ્યાના અને નિયમીત ગ્રાહકો ફોન કરે એટલે બુકી ભાવ અને સ્કોર આપતાં હતાં તેના ઉપર વિશ્વાસ કરવો પડતો હતો. આ ટેલીફોન લાઈન ક્રિકેટ સટ્ટાનો યુગ હતો.

બુકીઓ પ્રાઈવેટ સેટ-ટોપ બોક્સ મેળવતાં હતાં

1990 પહેલાંના અરસામાં ટી.વી.ની  પૂર્ણરૂપે એન્ટ્રી થતાં લાઈવ ટેલિકાસ્ટની શરૂઆત થઈ ચૂકી હતી. એક સમયે ધાબા ઉપર વિશાળ ડીશ લગાવીને મેચ જોનારો એક વર્ગ હતો. ફ્રી - ટુ - એર મેચ જોવા માટે 16 ફૂટ વ્યાસની સૌથી મોટી ડીશ, સ્પેશિયલ પિલર મુકીને નાંખવી પડતી હતી. આ પછી સેટ-ટોપ બોક્સનો જમાનો આવ્યો હતો. ઈએસપીએન અને સ્ટાર સ્પોર્ટસ- કેબલવાળાની એન્ટ્રી પડી હોવાથી 50-100 કનેક્શન છે તેવું બતાવીને પણ બુકીઓ પ્રાઈવેટ સેટ-ટોપ બોક્સ મેળવતાં હતાં. આ રીતે મેચ લાઈવ જોઈને સટ્ટો બૂક કરતાં બુકીઓ માલમાલ થયાં હતાં. આ પછી, ઈન્ટરનેટનો જમાનો આવ્યો. ડીશ-ટીવી ગયાં. એચ.ડી. વર્ઝનમાં પ્રસારણ એક-બે બોલ મોડું આવતું હોવાથી ગ્રાઉન્ડ લાઈનની એન્ટ્રી થઈ. ગ્રાઉન્ડ ઉપરથી બુકીનો ખાસ માણસ મોબાઈલ ફોન દ્વારા સ્કોર- કોમેન્ટ્રી આપતો હતો. લાઈવ સ્કોર આપનાર વ્યક્તિ બુકીના કન્ટ્રોલ રૂમથી પણ કનેક્ટ રહેતો હતો અને કન્ટ્રોલ રૂમ સાથે સટ્ટો નોંધવા માટેની ફોનલાઈનો ધમધમતી. હવે તો, એક પણ ક્ષણના વિલંબ વગર મેચ જોવા માટે બુકીઓ સ્પેશિયલ લાઈન મેળવીને સીધું જ લાઈવ ટેલિકાસ્ટ જોઈને સટ્ટો બુક કરતાં થયાં છે. બુકીઓ એવી ચાલાકી કરે છે કે, લાઈવ દરમિયાન પોતાના માટે નુકસાનીની સ્થિતિ દેખાય તો થોડો સમય માટે સટ્ટાબુકીંગ ટાળે છે.

ક્રિકેટ સટ્ટાના ફોરમેટમાં પણ ધરમૂળથી બદલાવ આવ્યો

બુકી બજાર વિતેલા પાંચ દાયકામાં લેન્ડલાઈન ટેલિફોન, ઈન્ટરનેટ, ડીશ ટીવી પછી હવે મોબાઈલ ફોન એપ્લિકેશનના યુગમાં છે. ટેસ્ટ મેચો પછી 1971થી વન-ડે મેચો બાદ વર્ષ 2003થી 20-20 મેચો અને 2008થી આઈપીએલ શરૂ થઈ ત્યારથી ક્રિકેટ સટ્ટાના ફોરમેટમાં પણ ધરમૂળથી બદલાવ આવ્યો છે. ખાસ ક્રિકેટ સટ્ટા એપ્લિકેશનની આઈડીથી મોબાઈલ ફોન,  લેપટોપ, ટેબલેટ, મોબાઈલ ફોનથી લાઈવ સટ્ટો રમાવા લાગ્યો છે. ફટાફટ એટલે કે 20-20 ક્રિકેટ સાથે ફટાફટ સટ્ટાનો યુગ આવ્યો છે.  ખાસ તો વર્ષ 2014માં કલગી યુગ ખતમ થયો તે પછી સટ્ટાનું સુકાન બદલાવા સાથે ઓનલાઈન સટ્ટો અનલિમિટેડ બન્યો છે. આથી જ, 2014થી 2024ના વિતેલા એક જ દશકામાં ક્રિકેટ સટ્ટામાં 500 ગણો વધારો થયો હોવાનું બુકી બજારના સૂત્રો કહે છે. 

ઓનલાઈન એપ્લિકેશનોની ભરમાર વચ્ચે બુકીબજારમાં એવી હરિફાઈ

વિશ્વાસે ચાલતાં ક્રિકેટ સટ્ટામાં હારજીતના પૈસા એક સમયે આંગડિયા અને રૂબરૂ લેવડદેવડ થતી હતી. હવે ઓનલાઈન બનેલા સટ્ટામાં ખેલી પાસેથી એડવાન્સ લેવામાં આવે છે અને હારજીતની રકમ ઓનલાઈન લેવડદેવડ થઈ જાય છે. ઓનલાઈન એપ્લિકેશનોની ભરમાર વચ્ચે બુકીબજારમાં એવી હરિફાઈ છે કે, પન્ટરોને 10થી માંડી 50 હજાર રૂપિયાની ડિપોઝીટ એડવાન્સ જમા તેવી લાલચભરી ઓફર બુકીઓ તરફથી અપાય છે.  જો કે, મોટી રકમનો સટ્ટો રમતાં જુના પન્ટરો અને પેટા એજન્ટો સાથે લાખો, કરોડો રૂપિયાની લેવડદેવડ તો આજની તારીખે પણ આંગડિયા થકી જ કરવામાં આવે છે. ફોન લાઈનથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ગમે તેટલો વધ્યો, સબ પૈસે કા ખેલ હૈ એ મુળ મંત્ર હજુ યથાવત છે અને રહેશે.

ઓનલાઈન સટ્ટાના અનેક એવા બ્રાઉઝર્સ છે કે જેના ઈન્ટરનેટ પ્રોટોકોલ જાણવા પોલીસ માટે પણ મુશ્કેલ

હાલમાં ભારતમાં ક્રિકેટ સટ્ટાનું બજાર 3 લાખ કરોડ કે તેથી વધુ રકમનું છે અને સતત વધારો થઈ રહ્યો છે. નવી ટેકનોલોજીથી ક્રિકેટ સટ્ટામાં સતત વધારો થયો છે. અનેક એવા બ્રાઉઝર્સ પણ છે કે જેના ઈન્ટરનેટ પ્રોટોકોલને પણ જાણી શકાતાં નથી. અનેક આંતરરાષ્ટ્રીય વેબસાઈટ ભારતીયોને સટ્ટાબાજી તરફ ધકેલે છે. દરેક મેચ ઉપર અંદાજે બસ્સો કરોડનો સત્તાવાર ધંધો થાય છે. જો કે, બિનસત્તાવાર રીતે તો આઆંકડો 700 કરોડ કહેવાય છે.  ક્રિકેટ આવ્યાંના થોડા જ વર્ષમાં ક્રિકેટ સટ્ટો એટલે સામાન્ય બની ચૂક્યો હતો કે, 1866માં ગેમ્બલિંગ એક્ટ બનાવવો પડયો હતો. આ સમયે મુંબઈ અને દિલ્હીથી પણ મોટું સટ્ટા બજાર કોલકાતામાં હતું. 

પોલીસ કાર્યવાહીમાં બુકી ભાગ્યે જ પકડાયઃ પન્ટર અને ડબ્બા જ સપડાય છે

બુકીઓ માટે ભાવ લનાર શખ્સને ડબ્બા તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી સટ્ટાની ભાષાના જાણકાર એવા આ વ્યક્તિઓ જો પોલીસ કોલ ટ્રેસ કરી કાર્યવાહી કરે તો બુકીઓ માટે બચવાનું સાધન બની જાય છે. આ કારણે જ ભાગ્યે કોઈ મોટા બુકી પકડાય છે, મોટા ભાગ સટ્ટો નોંધવા બેઠેલાં ડબ્બા સામે જ કાર્યવાહી થાય છે. હવે, મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટાખોરીના જમાનામાં બુકી પાસેથી એપ્લિકેશન લેનાર તેનો એજન્ટ એટલે કે પન્ટર જ પકડાય છે. એક વખત ઉપયોગમાં લેવાયેલાં મોબાઈલ નંબરનો ઉપયોગમાં નહીં લેવાની સાવચેતી પણ બુકીઓ રાખે છે.

પસંદગીની ટીમ પર સટ્ટો તો લગાવ્યાં અને હારતી ટીમ બૂક કરો તો ખાધાં : અલગ જ ભાષા

સટ્ટા બુકીંગની પધ્ધતિઓ બદલી છે પરંતુ દાયકાઓથી ચાલતી જુની ભાષા યથાવત રહી છે. પસંદગીની ટીમ ઉપર પૈસા લગાવવામાં આવે તેને લગાવ્યાં કહેવાય છે. જ્યારે, સામેની ટીમ ઉપર પૈસા લગાવાય તેને ખાધાં કહેવાય છે.  ધારી લો કે, ભારત - ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતની જીતની તકે તેનો ભાવ 80 પૈસા બુકી બજારે કાઢ્યો છે. ભારત ઉપર જ પૈસા લગાવવામાં આવે તો લગાવ્યાં કહેવાય છે. જ્યારે, બીજા નંબરની ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયાનો ભાવ 1 રૂપિયા 20 પૈસા ગણાય છે તેના ઉપર પૈસા લગાવાય તો ખાધાં શબ્દ વપરાય છે.

પૈસા ચૂકવી એપ્લિકેશનના રાઈટ્સ આપી વિદેશથી સંચાલન કરતાં બુકીઓને લ્હેર

સટ્ટો ગુજરાતથી વાયા મુંબઈ, દુબઈ ચાલતો હતો તો દાઉદ ઈબ્રાહિમના હાથમાં હતું તેવું સટ્ટાના જુના ખેલાડીઓ કહે છે. મુંબઈ મેઈન કેન્દ્ર હતું. હવે, ઓનલાઈન સટ્ટામાં મુખ્ય કેન્દ્ર દુબઈથી બદલી રહ્યું છે અને દાઉદનો દબદબો ઘટી રહ્યો છે. ઓનલાઈન સટ્ટા એપ્લિકેશન એટલી વધી ગઈ છે કે સરકારી તંત્ર પણ અંકુશ રાખી શકતી નથી. સટ્ટાને કાયદેસર કરતાં પહેલાં મની લોન્ડરિંગ અને પૈસાની હેરાફેરીના મુદ્દે મોટા બુકીઓ પણ હવે વોન્ટેડ છે. ભીંસ વધી હોવાથી સર્વર દુબઈ સિવાયના દેશોમાં જ્યાં પ્રત્યાર્પણ સંધી ન હોય તેવા દેશોમાં એક્ટિવ કરી દેવાયાં છે. ભાવ વધ-ઘટ એપ્લિકેશનના સર્વર અને કન્ટ્રોલ રૂમ બીજા દેશોથી સંચાલન કરવામાં આવે છે. ભારતમાં એપ્લિકેશન આધારિત રાઈટસ લઈને પેટા બુકીઓ સટ્ટો ચલાવે છે અને મુખ્ય બુકીઓ તો વિદેશમાં લ્હેર કરે છે. એપ્લિકેશન આઈડી પાસવર્ડ આધારિત બની ચૂકી છે.

સટ્ટાની ભાષા

ક્રિકેટ સટ્ટામાં હવે મોબાઈલ ફોન, લેપટોપ, મોબાઈલ રેકોર્ડર સહિતના આધુનિક ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ મુળ ભાષાઓ બદલાઈ નથી.

સટ્ટાનો હિસાબ

બુકી

સટ્ટો નોંધનાર

ડબ્બા

એજન્ટ

પંટર

ક્લાયન્ટ

લાઈન

એક લાખ

એક પૈસા

સવા લાખ

સવા પૈસા

25000

ચવન્ની

50,000

અઠન્ની

ભાવ

ડબ્બાનો અવાજ

20 ઓવર

લંબી પારી

10 ઓવર

સેશન

છ ઓવર

છોટી પારી


• 40 વર્ષમાં ન આવ્યો તેટલો બદલાવ 10 વર્ષમાં થવાથી સટ્ટો અનલિમિટેડ

 1990 સુધી સટ્ટો રેડિયો કોમેન્ટ્રી  આધારિત હતો 

• એ પછી ઈન્ટરનેટ યુગ, ડીશ ટીવી અને હવે 'મોબાઈલ એપ્લિકેશન'થી ક્રિકેટ સટ્ટો બેકાબૂ બની ચૂક્યો છે

 હેડકવાર્ટર તરીકે અમદાવાદ અને મુંબઈના બુકીઓની બૂમ હતી હવે વિદેશથી જ વાહ વાહ

 IPLની દરેક મેચમાં સટ્ટાનો આંક 500 કરોડથી વધુઃ ભારતમાં ક્રિકેટ સટ્ટો 3 લાખ કરોડ પ્લસ

Article Content Image

 

Gujarat