ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ૫૦૦ ફેક્ટરીઓ બંધ કરી દેવાશે
ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસો.ની ચિમકી
સે-૨૫ અને સે-૨૬ જીઆઇડીસીમાં વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા ઃ રોગચાળો ફેલાવાનો ભય ઃ એસો.આંદોલનના મુડમાં
ગાંધીનગર : ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના સેક્ટર-૨૫ અને ૨૬ જીઆઇડીસીમાં આવેલી ૫૦૦ થી વધુ ફેક્ટરીઓમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ગંભીર ગટર સમસ્યા અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યાના કારણે દૈનિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ગંભીર અવરોધો ઉભા થઈ રહ્યા છે.આવી સ્થિતિમાં સત્વરે આ અંગે યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો ગેઝિયા દ્વારા ફેક્ટરીઓ બંધ કરીને વિરોધ નોંધાવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
સમગ્ર ગાંધીનગર હાલ ગટરની સમસ્યાથી પિડાઇ રહ્યું છે. તંત્રના
પાપે ગટર ઉભરાવવાના કિસ્સાઓ દરેક સેક્ટરે સેક્ટરે બની રહ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષથી
ઠેર ઠેર ગટર ઉભરાવાના પ્રશ્નથી સે-૨૫ તથા સે-૨૬માં આવેલા વિવિધ એકમોના માલિકો તથા ત્યાનો
સ્ટાફ ત્રાહિમામ પોકારી ઉઠયો છે. એટલુ જ નહીં, વ્યક્તિગત ફરિયાદની સાથે ગેઝિયા દ્વારા મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, આર એન્ડ બી વિભાગ, ધારાસભ્ય અને કોર્પોરેટરો
સહિતના સંબંધિત તમામ પદાધિકારીઓને મૌખિક,
રૃબરૃ મુલાકાતો અને લેખિત પત્રો દ્વારા વારંવાર જાણ કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી એટલે કે,
એક વર્ષથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. એટલુ જ નહીં રાજકીય પક્ષના પ્રમુખો
અને હોદ્દેદારોને પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ આ હોદ્દેદારો દ્વારા સંબંધિત વિભાગોને
આ બાબતે સૂચનાઓ આપવામાં આવે છે પણ નઠ્ઠોર તંત્ર કોઇ પગલા લેતું નથી જેના કારણે હાલમાં
ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે,
અને ચોમાસાની તુને ધ્યાનમાં લેતા,
આ પરિસ્થિતિ ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરી શકે છે.છેલ્લા એક વર્ષથી ગટરની ગંભીર સમસ્યાથી
હેરાન પરેશાન થઇ ગયેલા ફેક્ટરીના માલિકો સહિત એસોસિએશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો
આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં આવે,
તો એસ્ટેટમાં આવેલી ફેક્ટરીઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવશે. આર એન્ડ બી વિભાગે
આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવું અત્યંત જરૃરી છે નહીં તો
ફેક્ટરીઓ બંધ કરવા ઉપરાંત અન્ય આંદોલનકારી પગલા પણ એસો. દ્વારા ભરવામાં આવશે.