ગંભીરા પુલ તૂટી પડતા ફરીને જવું પડતું હોવાથી કંપનીના 500 કર્મીની હડતાળ
- પાદરા પાસેની ઋષિ એફઆઈબીસી કંપનીના કર્મચારીનો વિરોધ
- 4 કલાકનો વધુ સમય, લક્ઝરી બસ ભાડું વધતા આર્થિક ભારણ : અઠવાડિયામાં નિર્ણય લેવા સંચાલકોની બાહેધરી
આંકલાવ તાલુકાની આસોદર ચોકડીએ હડતાળમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગંભીરા બ્રિજ તૂટી જતા હવે આ વિસ્તારના યુવકોને નોકરી માટે વાસદ, વડોદરા થઈને ફરીને જવાનું ફરજિયાત થઈ પડયું છે. જેથી પાદરા પાસે આવેલી ઋષિ એફઆઈબીસી કંપનીમાં બોરસદ, આકલાવ તાલુકામાંથી રોજના ૧૦ લક્ઝરી બસમાં ૫૦૦થી વધુ કર્મચારીઓ નોકરી જતા હતા. હવે રોજિંદા આવવા જવામાં ચાર કલાક જેટલો સમય વધુ જઈ રહ્યો છે તથા ૯ કલાકની નોકરી સહિત હવે કુલ ૧૪ કલાકનો સમય ફાળવવામાં આવી રહ્યો છે. જેની સામે પગાર માત્ર દૈનિક ૫૦૦થી ૫૫૦ જેટલો મળે છે. બસમાં ગામ પ્રમાણે અંદાજિત માસિક ભાડું ૮૦૦થી ૧૪૦૦ રૂપિયા થાય છે. જે પગારમાંથી કપાત કરીને ચૂકવી દેવાય છે. હવે રૂટ લાંબો થતા બસવાળા કે કર્મચારીઓને વધુ ભાડું ખર્ચવું પડે તે પોસાય તેમ નથી. ઉપરાંત રોજના ચાર કલાકની નોકરીનો સમય પણ અવર-જવરમાં વધી જતા હવે તમામ કર્મચારીઓએ આસોદર ચોકડીએ આવેલા બ્રિજ પાસે હડતાળ પર બેઠા હતા.
કર્મચારીઓની માંગણી છે કે, સમય સવારે ૯થી ૫ વાગ્યાના બદલે ૯થી ૪ કરાય અથવા રોજિંદા એક કલાકનો પગાર વધુ આપવામાં આવે, લક્ઝરી બસના ભાડામાં પણ રાહત અપાય તેવી માંગ કરી હતી. જે સંદર્ભે મોડી સાંજે કંપનીના સંચાલકોએ કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી અઠવાડિયા બાદ કર્મચારીઓની માંગણી પ્રત્યે યોગ્ય નિર્ણયની બાહેધરી આપતા કર્મચારીઓ હડતાળ સમેટી લીધી હતી.