નવરંગપુરામાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 450 સીસીટીવી ચેક કરીને આરોપીને દબોચ્યો
વિશાલ સિંધી નામના આરોપીએ રેકી કરીને આંગડિયા પેઢીના કર્મચારીને બોડીલાઈન ચાર રસ્તા પાસે લૂંટ્યો હતો
પોલીસે 25 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને વિશાલ સિંધીની ગેંગની માહિતી મળતાં બાતમીદારોને કામે લગાડ્યા હતાં
અમદાવાદઃ નવરંગપુરા પંજાબી હોલ પાસે સુર્વણ કલા કોમ્પ્લેક્ષમાં આવેલા આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખની લૂંટ ચલાવી પ્લસર બાઈક પર આવેલા બે લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. 28 એપ્રિલે સાંજે 3.35 વાગ્યે સી.જી.રોડ બોડીલાઈન ચાર રસ્તાથી આગળ સુપર મોલ પાસે બનેલી ચિલઝડપની ઘટનાએ શહેર પોલીસ દોડતી કરી દીધી હતી. એક્ટિવાની આગળ રૂપિયા ભરેલો થેલો મુકી પેઢી પર પરત ફરતા કર્મચારી કંઈ સમજે તે પહેલા બાઈક પર સવાર આરોપીઓએ ચાલુ વાહને બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની ધરપકડ કરીને 35 લાખનો મુ્દામાલ રીકવર કર્યો છે.
વિશાલ સિંધીની ટુકડી દ્વારા ગુનાને અંજામ અપાયો
આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને ફરાર થયેલા લૂંટારૂઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચે નવરંગપુરા બોડીલાઈન ચાર રસ્તાથી સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરીને લૂંટારૂઓના વાહનને આધારે 25 દિવસ સુધી સતત અમદાવાદ, મહેમદાવાદ, બારેજડી, દહેગામ રોડ, હિંમતનગર રોડ, કરાઈ રોડ વગેરે અમદાવાદ શહેરની બહારના રોડ પરના 150 કિ.મી સુધીના રૂટ પર આશરે 475થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યાં હતાં. સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવેલ શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓના ફોટાના આધારે આ ગુનામાં વિશાલ સિંધીની ટુકડી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
આરોપીએ આંગડિયા પેઢીની રેકી કરી હતી
ખાનગી બાતમીદારો મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગઈ કાલે દહેગામ રોડ હંસપુરા બસસ્ટેન્ડ પાસેથી વિશાલ સિંધીને ઝડપી લઈને તેની અંગજડતી લેવામાં આવી હતી. તેની પાસેથી એક લાખ રોકડા, એક મોટરસાયકલ, એક મોબાઈલ મળી કુલ 2.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન રોકડા 33.95 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતાં. આમ પોલીસે 36.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિશાલ સિંધીએ પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, તેણે રાજકોટના પવન સિંધી સાથે મળીને નવરંગપુરામાં સી જી રોડ ખાતે આવેલ ઈસ્કોન આર્કેડમાં આવેલ આંગડિયા પેઢીની રેકી કરી હતી.
એક લાખ રૂપિયાની મોટરસાયકલ ખરીદી
એક વ્યક્તિ એક્ટિવાના આગળના ભાગે રોકડા રૂપિયા ભરેલો થેલો રાખી નીકળતો હોવાથી તેનો પીછો કર્યો હતો. તેણે બોડીલાઈન ચાર રસ્તા પાસે એક્ટિવા ધીમુ કરતાં તેની પાસેનો થેલી ચીલઝડપ કરી અમે નાસી ગયા હતાં. ત્યાર બાદ સીસીટીવી ફૂટેજમાં ગેરમાર્ગે દોરવા રસ્તામાં કપડાં બદલી નાંખ્યા હતાં. અમદાવાદના જુદા જુદા રસ્તા અને ગલીઓમાં થઈને બહારના ગામડામાં ફરીને ઘરે પહોંચ્યા હતાં. ત્રણ દિવસ પછી પવન સિંધીને 14 લાખ, પ્રતિક પાનવેકરને 6 લાખ રૂપિયાનો ભાગ આપ્યો હતો. બાકીના પૈસા વિશાલ સિંધીએ રાખ્યા હતાં. તેમાંથી એક લાખ રૂપિયાની મોટરસાયકલ ખરીદી હતી.