Gujarat

શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે

By GS TEAM
12 Feb 20262 mins read
શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે

- 9 માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને હાલાકી 

- શહેરના ગંગાજળિયા તળાવથી મોટાભાગની બસ ઉપડશે, ટોપથી સર્કલ, અકવાડા, સિદસર, સિહોર, ભંડારિયા, ઘોઘા વગેરે સ્થળે જશે 

ભાવનગર : ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરોને હાલાકી પડી રહી છે પરંતુ હવે આગામી થોડા દિવસમાં ઇ-બસ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી રહી છે અને આ ઇ-બસો શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે. 

ભાવનગર શહેરમાં આશરે એક માસ કરતા વધુ સમયથી પ૦ ઇ-બસ ધૂળ ખાઈ છે પરંતુ હજુ ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી પરંતુ હવે આગામી તા. ૧૪ ફેબુ્રઆરીના રોજ ભારતના વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુલ માધ્યમથી ઇ-બસનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરના અધેવાડા બસ ડેપો ખાતે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ઈલેકટ્રીક બસ સેવાનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. પ૦ ઇ-બસ શહેર-જિલ્લાના ૮ રૂટ પર ફરશે, જેમાં મોટાભાગની બસ શહેરના ગંગાજળિયા તળાવમાંથી ઉપડશે અને ટોપથી સર્કલ, અકવાડા, સિદસર, સિહોર, ભંડારિયા, ઘોઘા વગેરે સ્થળ જશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

ભાવનગર શહેરમાં સિટી બસ સેવા આશરે ૯ માસ કરતા વધુ સમયથી બંધ છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને તત્કાલ ઇ-બસ સેવા માંગણી કરી રહ્યા છે. ઇ-બસ સેવા શરૂ થતા મુસાફરોને રાહત થશે તેમ જણાય રહ્યુ છે. 

મહાપાલિકાએ જાહેર કરેલ ઇ-બસ સેવાના રૂટની યાદી 

ભાવનગર મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે કેટલાક રૂટની યાદી જાહેર કરી છે, જેમાં ગંગાજળિયા તળાવથી ટોપથ્રી સર્કલ-ઇ-બસ ડેપો, ગંગાજળિયા તળાવથી અધેવાડા, ગંગાજળિયા તળાવથી અકવાડા, ગંગાજળિયા તળાવથી શાંતિલાલ શાહ કોલેજ-સિદસર, ગંગાજળિયા તળાવથી સિહોર-વાળુકડ, ભાવનગર રેલવે સ્ટેશનથી ભંડારિયા ગામ, ગંગાજળિયા તળાવથી ઘોઘા ગામ વગેરે રૂટનો સમાવેશ થાય છે.