ઉતરાખંડમાં વડોદરાના 5 પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત
પ્રવાસીઓના રેસ્ક્યુ માટે ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં ગુજરાત સરકાર
ઉતરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભારે વરસાદ વરસતા ભૂસ્ખલન થવા સાથે નદીઓમાં ઘોડાપૂર આવતા ગુજરાતના 141 પ્રવાસીઓ ફસાયા છે. જેમાં વડોદરાના 5 પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલન થવાથી જનજીવન ખોરવાયું છે. ધરાલી ગામમાં વાદળ ફાટ્યું અને ખેર ગંગા નદીમાં પુરને કારણે લાખો ટન મલબા નીચે આખું ગામ દબાઈ ગયું છે. અનેક લોકો હજુ પણ લાપતા છે. એનડીઆરએફ , એસડીઆરએફ સહિતના બચાવ દળો છેલ્લા કેટલાય કલાકોથી બચાવ કામગીરીમાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાંથી ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા અનેક પ્રવાસીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 141 પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા અનેક રસ્તા બંધ થઈ ગયા છે. હાલ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટિંગ શક્ય નથી. જેથી વાતાવરણ સાફ થશે ત્યારે પ્રવાસીઓને પરત લાવવાની કાર્યવાહી થઈ શકે તેમ છે.
કેદારનાથ પ્રવાસે ફસાયેલ વડોદરાના પ્રવાસીઓની યાદી
(૧) પવન ચોટવાણી (રહે- વારસિયા)
(૨) હેમંત મલગાંવકર (રહે- ઊંડેરા)
(૩) ટ્વિંકલ શાહ (રહે- વડોદરા)
(૪) ચેતન ખટીક (રહે- વડોદરા)
(૫) જીનલ પટેલ (રહે- અટલાદરા)
ટ્રાવેલ્સ કંપનીને મેસેજ થકી 6 લોકો સુરક્ષિત હોવાની જાણ કરી
વડોદરાથી કેદારનાથ પ્રવાસે ગયેલ 5 લોકો ગંગોત્રી ખાતે ફસાયા છે. હાલ તેઓ ગંગોત્રીના આર્મી કેમ્પ ખાતે હરિદ્વારના ડ્રાઇવર સાથે સુરક્ષિત છે. હેમંત મલગાંવકરએ ટ્રાવેલ્સ કંપનીને આ બાબતે મેસેજ થકી જાણ કરી હતી. આજે તમામના મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે. આર્મી કેમ્પ વિસ્તારમાં નેટવર્કનો ઇસ્યુ હોવાથી તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.