- ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વૉડની તપાસ
- 2 દિવસમાં ગેરકાયદે ખનીજ વહન કરતા 9 ડમ્પર ઝડપાયા : ચેક પોસ્ટની કામગીરી સામે સવાલો
બગોદરા : બગોદરા હાઈવે પર ગેરકાયદે ખનીજ વહન કરતા ડમ્પરો સામે ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો છે. રોયલ્ટી વગર બેફામ દોડતા પાંચ ડમ્પરોને સ્ક્વોડે ઝડપી પાડયા હતા.
ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પાંચેય ડમ્પરોને ડીટેઇન (જપ્ત) કરવામાં આવ્યા છે. ગેરકાયદે ખનીજ વહન બદલ તમામ ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા લીંમડી-બગોદરા હાઈવે પરથી ખનીજ ભરેલા ડમ્પરો ઝડપી પડતાં અનેક સવાલો ઊભા થયા છે. લીંમડી-બગોદરા હાઈવે પર બનાવેલી ખાણ ખનીજ વિભાગની ચેક પોસ્ટની કામગીરી પર ગંભીર સવાલો ઊઠયા છે. ચેક પોસ્ટની હાજરી હોવા છતાં રોયલ્ટી વગરના ડમ્પરો બેરોકટોક કેવી રીતે પસાર થઈ રહ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે. ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનની પ્રવૃત્તિને ડામવા માટે તંત્રની કામગીરી વધુ સઘન બનાવવા માંગણી ઉઠી છે.
પોલીસની કામગીરીના બીજા દિવસે કાર્યવાહીથી ડમ્પર ચાલકોમાં ફફડાટ
આ કાર્યવાહીના એક દિવસ પૂર્વે પણ બગોદરા પોલીસે આવા ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ ડમ્પરો સામે પગલાં લીધા હતા. ગતરોજ બગોદરા પોલીસે નંબર પ્લેટ વગરના ૪ ડમ્પરોને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. ત્યારે ગાંધીનગરની ટીમની પણ કાર્યવાહી બાદ ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.


