હુમલો કરવા મામલે પૂર્વ સરપંચના પુત્ર સહિત 5 શખ્સ પકડાયા
- તારાપુરના આદરૂજના ચૂંટાયેલા સરપંચના ટેકેદારો પર
- બીજ ભરવા પગપાળા જતા હતા ત્યારે બે ગાડીમાં આવેલા શખ્સોએ મારમારતા ફરિયાદ નોંધાઇ
તારાપુરના માલપુર ગામે ભાથીજી ફળિયામાં રહેતા આશાભાઇ મોહન ચૌહાણ સહિત ગામના સાત લોકો શુક્રવારે સવારે બીજ ભરવા માટે માલપુરથી તારાપુર મોરડ રોડ પર આવેલા રામદેવપીર મંદિર ખાતે પગપાળા જવા માટે નિકળ્યા હતા. સવારે મોરજ રોડ પર તારાપુરાની સીમની મોટી કેનાલ આગળ જતા હતા.
દરમિયાન બે ગાડીઓ આશાભાઇ અને સાથે ચાલતા જતા લોકોની આગળ આવીને ઉભી રાખી દીધી હતી.
ગાડીમાંથી આદરૂજ ગામના પૂર્વ સરપંચ ભના નગા ભરવાડનો પુત્ર ભરત અને ભાણેજ અજય તેમજ વિશાલ રૂપા ભરવાડ, ગોપાલ રણછોડ ભરવાડ, નિતિન કાનજી ભરવાડ અને અન્ય લોકો લાકડીઓ લઇને આવી તમોએ અમોને ચૂંટણીમાં હરાવ્યા છે તેમ કહીને લાકડીઓ વડે મારમાર્યો હતો. અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપીને શખ્સો નાસી છૂટયા હતા.
આ ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ દોડી આવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડીને ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ મામલે આશાભાઇ મોહન રાઠોેડે ફરિયાદ નોંધાવી હતી. આદરૂજ ગામના પૂર્વ સરપંચ સહિત પાંચ આરોપીને આજે પકડી પાડ્યા હતા. બે કાર પણ કબજે લીધી છે.