જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બાઇક રેસનો વીડિયો બનાવનાર 5 યુવકોની અટકાયત
Jamnagar-Rajkot Highway: જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો, અને તેમાં 6 બાઈક સવારો દેખાયા હતા. જે પૈકીના પાંચ બાઇક સવારોને પોલીસે શોધી કાઢી અટકાયત કરી છે, અને તમામના બાઇક ડિટેઈન કરી લેવાયા છે.
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણા ને ટ્રકના પાછળના ભાગમાં ટક્કર વાગવાથી ગંભીર ઇજા થઈ હતી અને હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અને તેની હાલત અત્યંત નાજુક છે.
જે બાઈક રેસ નો વિડીયો વાયરલ થયો હતો, જે વીડિયોને લઈને પંચકોશી એ. ડિવિઝનની પોલીસ ટિમ હરકતમાં આવી ગઈ હતી, વીડિયોમાં દેખાતા વાહનો અને તેના નંબરના આધારે અંકિત સહિતના છ બાઈક સવાર સામે ફૂલ સ્પીડમાં વાહન ચલાવવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તમામ બાઈક સવારની શોધખોળ શરૂ કરી હતી.
પંચકોષી એ. ડિવિઝનની પોલીસ ટીમે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને કુલ પાંચ બાઈક સવાર ચેતન રાજેશભાઈ પાડલીયા, યાસીન કરીમભાઈ બાબવાણી, ચિરાગ રાજેશભાઈ પાડલીયા, મયુર રામભાઈ મકવાણા અને મુસ્તફા અહમદભાઈ મુસાણી વગેરે પાંચ બાઈક સવારની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓના વાહનો ડીટેઇન કરી લેવાયા છે.