Gujarat

5 પદાધિકારીએ 135 દિવસમાં 6000 લિટર ડીઝલનો ધુમાડો કર્યો

By GS TEAM
12 Sep 20252 mins read
5 પદાધિકારીએ 135 દિવસમાં 6000 લિટર ડીઝલનો ધુમાડો કર્યો

મનપાના વાહનો સેન્ટ્રલ વર્કશોપ હેઠળ : પદાધિકારીઓની કાર ફાયરબ્રિગેડ હવાલે, સ્ટે.ચેરમેનની પેટ્રોલ કાર, અન્ય ડીઝલની : રાજકોટમાં ગત વર્ષે પ્રજાના કૂલ રૂ. 11 કરોડનું ઈંધણમાં આંધણ  : પ્રતિ નેતા રોજ સરેરાશ સો-દોઢસો કિ.મી.ક્યાં ફરે છે તે તપાસનો વિષય 

  રાજકોટ, : રાજકોટ મહાપાલિકામાં કોર્પોરેટર પદે ચૂંટાયા બાદ પ્રદેશની કૃપાથી કોઈ પદ મળે ત્યારે પારદર્શકતા,કરકસરને નેવે મુકીને પદાધિકારીઓ બેફામ ખર્ચ કરે છે જેના પર કોઈ નિયંત્રણ નથી. મનપાના વિવિધ સૂત્રોમાંથી મેળવેલી માહિતી મૂજબ તા. 1 એપ્રિલથી આજ તા.12સપ્ટેમ્બર સુધીના 135 દિવસમાં મેયર સહિત 5 પદાધિકારીઓએ 6000 લિટર ડીઝલનો ધુમાડો કર્યો છે.

ગત વર્ષે મનપાના તમામ વાહનોનો ઈંધણ (મુખ્યત્વે ડીઝલ)નો ખર્ચ રૂ. 11 કરોડનો થયો હતો. આ વર્ષે માત્ર 3 મહિનામાં રૂ. 2.76 કરોડનો ખર્ચ એટલે કે મહિને સરેરાશ 93 લાખનો ખર્ચ કરાય છે.   મનપાના પેટ્રોલપંપ ડાયરેક્ટ ઓઈલ કંપનીથી પેટ્રોલ-ડીઝલ ખરીદે છે, કૂલ 380 વાહનો પૈકી બે-ચાર વાહનોને બાદ કરતા તમામ ડીઝલ વાપરે છે. પ્રતિ લિટર ડીઝલ મનપાને રૂ. 88નું પડે છે જે મૂજબ આશરે રૂ. 5.28 લાખનો ખર્ચ થયો છે, એટલે કે મહિને દોઢ લાખથી વધુનું ઈંધણ પદાધિકારીઓની ગાડી ખાય જાય છે.  આ ઉપરાંત સ્થાયી સમિતિના ચેરમેનની કારનો એક-બે હજાર લિટર પેટ્રોલનો ધુમાડો અલગ છે. ઉપરાંત ડ્રાઈવરનો પગાર, રિપેરીંગ, એસેસરીઝ નંખાવવા જેવો લાખોનો ખર્ચ જુદો છે. 

એકંદરે 135 દિવસમાં ભાજપના પાંચ નેતાઓએ 1200 લિટર એટલે કે રોજ આશરે 9 લિટર ડીઝલ એક પદાધિકારી વાપરે છે જેની 15 કિ.મી.ની એવરેજ ગણો તો 134 કિ.મી. અને ઓછી એવરેજ ગણીએ તો પણ 120થી 150 કિ.મી.કાર ક્યાં ફરે છે તે સવાલ તપાસ માંગી લે છે. કારણ કે આટલું ફર્યા પછી લોકોના પ્રશ્નો,વ્યથા,સમસ્યા તો નજરે પડતા હોય અને તે ઉકેલવા પ્રયાસ કરતા હોય તેવું તા મોટાભાગે બનતું નથી. મનપા દ્વારા અપાતા વાહનો એ પ્રજાની તિજોરીમાંથી થતો સીધો ખર્ચ છે છતાં દરેક વાહનની લોગબૂક મેઈન્ટેન થતી નથી. મનપાના અધિકારીઓના વાહનો સેન્ટ્રલ વર્કશોપ હેઠળ છે જ્યારે પદાધિકારીઓના અલગ ફાયરબ્રિગેડ હસ્તક મુકાયા છે.