આણંદ જિલ્લાના 33 મૃતકો પૈકી 5 ની ઓળખવિધિ થઈ

- વાસદના દંપતી, ભાભીમાંથી પતિની ઓળખ બાકી
- અમદાવાદથી પાર્થિવદેહ રામનગર, પીપળોઈ અને ખંભોળજ મોકલી અપાયા
આણંદ જિલ્લાના ૩૩ મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આણંદ જિલ્લામાંથી હાલ રામનગરના મહેન્દ્રકુમાર મનુભાઈ વાઘેલા, ખંભાત તાલુકા પીપડોઈના મુકુંદભાઈ અંબાલાલ પટેલ અને ખંભોળજના આકાશકુમાર પુરોહિતના ડીએનએ મેચ થતા તેમના પાર્થિવદેહને તેમના નિવાસ સ્થાને મોકલવાની કામગીરી શરૂ કરાઈ હતી. જ્યારે વાસદના ત્રણ પૈકી બે મૃતકોમાં દિવ્યાબહેન રજનીકાંતભાઈ પટેલ અને તેમના ભાભી હેમાંગીનીબેન (દક્ષાબેન) નરૂણભાઈ પટેલની ડીએનએ સેમ્પલના આધારે ઓળખ થઈ ગઈ છે.
તેઓના પાર્થિવદેહોને સોમવારે તેમના પરિવારજનોને સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે.
આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પાથવ શરીર માટે અલગ એમ્બ્યુલન્સ ફાળવવા સાથે પરિવારજનોને એમ્બ્યુલન્સનો તથા ડ્રાઇવરનો નંબર પણ આપવામાં આવશે. દરેક એમ્બ્યુલન્સ સાથે એક વહીવટી અધિકારી પણ મૂકવામાં આવેલા છે, જે અંતિમ ક્રિયા સુધી પરિવારજનો સાથે રહેશે.
ખેડા જિલ્લાના 14 મૃતદેહના ડીએનએ રિપોર્ટની રાહ, પરિવારોની દોડધામ
નડિયાદ : ડાકોરના પૂણમાબેન પટેલનો મૃતદેહ ડાકોર લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નડિયાદના આશાબેન પવારનો મૃતદેહ મળી ગયો હોવા છતાં, તેમનો પરિવાર મહાદેવભાઈ પવારનો મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યો છે, જેથી બંનેના અંતિમ સંસ્કાર સાથે કરી શકાય. ઠાસરાના પરવેઝનો મૃતદેહ આણંદ ખાતેના તેમના સગાને ત્યાં લઈ જવાની સંભાવના છે. ખેડા જિલ્લાના ૧૭ મૃતકો પૈકીના હજુ ૧૪ જેટલા મૃતદેહોના ડીએનએ રિપોર્ટ મેચ થવાની મૃતકના પરિવારો રાહ જોઈ રહ્યા છે. દુર્ઘટનાને ત્રણ દિવસ વીતિ ગયા છે ત્યારે પરિવારજનો ચિંતાતૂર બની અમદાવાદ તરફ દોડધામ કરી રહ્યા છે.









