મોરબી જિલ્લામાં કાળચક્ર પરિણીતા સહિત વધુ 5 વ્યક્તિના અપમૃત્યુ
ફાટસર અને બંધુનગર ગામે 2 શ્રમિકના આપઘાત મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવકનું મોત : ત્રાજપર ચોકડીએ બેભાન થઇ જતાં વૃધ્ધા અને નીચી માંડલ ગામે ચક્કર આવ્યા બાદ પરિણીતાનું પ્રાણપંખેરૂ ઉડી ગયું
મોરબી, : મોરબી શહેર અને તાલુકામાં અપમૃત્યુ અને આપઘાતના પાંચ બનાવો નોંધાયા છે જેમાં પરિણીતા સહિત પાંચ વ્યક્તિના મોત થયા છે. જે બનાવોની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે. બે યુવકે આપઘાત કર્યા હતા. તો એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. વૃદ્ધા બેભાન થતાં અને પરિણીતાને ચક્કર આવતામોત નીપજ્યા હતા.
પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરામાં રમેશ કોટન મિલની અંદર રહેત સંજય મેઘજીભાઈ ઉધરેજા (ઉ.વ. 35) નામના યુવાન સાંજે ગુમ થયો હતો. અને તા. 23ના રોજ સવારના 11 કલાકે મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. બીજા બનાવમાં મોરબીના ત્રાજપર ચોકડી પાસે ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા કોકીલાબેન વાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધા ગત તા.૨૩ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર બેભાન થયા હતા. જેથી એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ (ઉ.વ. 40) નામના યુવાન ગત તા. 23ના રોજ પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત થયું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે. ચોથા બનાવમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ ઇટાસીસ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા રૂપાબેન દિનેશભાઈ માલી (ઉ.વ. 18) નામની પરિણીતાને લેબર કોલોનીમાં હોય. ત્યારે ચક્કર આવતા પડી જતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પાંચમાં બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હાલ મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ હિંમત ગ્લેઝ ટાઈલ્સ કારખાનામાં કામ કરતા અંકુશકુમાર રાજેશકુમાર દ્વારે (ઉ.વ. 21) નામના યુવાને લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. અને યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.