મોરબી, લાઠી, બગસરા તથા ગોંડલમાં વધુ 12શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી
રાજકોટ, : દેશભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા સબબ પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં મોરબી, લાઠી, બગસરા તથા ગોંડલમાં ગુના નોંધાયા છે. સાયબર ફ્રોડની 81.42 લાખની રકમ સગેવગે કરનારા 12 શખ્સો સામે ગુના દાખલ કરાયા છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ સાહિદ સુભાન મુલતાની, વિરલ હિંમત ઇસલાણીયા, દીપેશ હિંમત ઇસલાણીયા (રહે. ત્રણેય મોરબી) તથા સમીર બદીયાણી (રહે. રાજકોટ) સામે સાયબર ફ્રોડની રૂ 908785 ની રકમ સગેવગે કરવા બદલ ફરિયાદ નોંધાવતા મોરબી એ-ડિવિઝન પોલીસે આરોપી સાહીદ મુલતાનીને ઝડપી લીધો છે.
જ્યારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સાયબર ફ્રોડના રૂ 201120 સગેવગે કરવા બદલ આરોપીઓ વસંત જેરામભાઇ વાઘેલા, લાલજી શામજીભાઇ દેગામા, રવિભાઇ ગઢવી તથા ગોપાલભાઇ ઉપસરીયા (રહે.તમામ મોરબી) સામે ફરિયાદ નોંધાવાઇ છે.
લાઠીના જાનબાઇ દેરડી ગામે રહેતા સુરેશભાઇ મુળજીભાઇ વાછાણી સામે તેના બેંક ખાતા થકી સાયબર ફ્રોડની 26.44 લાખની રકમ સગેવગે કરવા અંગેની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવાઇ છે. જ્યારે સાવરકુંડલામાં રહેતા સરફરાજભાઇ સાજીદભાઇ મલાદા સામે સાયબર ફ્રોડની 28.16 લાખની રકમ સગેવગે કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. ગોંડલમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના રૂ 1571525 ની રકમ સગેવગે કરવા બદલ વિશાલભાઇ પરસોતમભાઇ ડાભી તથા ધાર્મિકભાઇ દિલીપભાઇ ચૌહાણ સામે બી-ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે.


