Get The App

વાંઠવાડી પાસે ટેમ્પો પલટી જતા એક જ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
વાંઠવાડી પાસે ટેમ્પો પલટી જતા એક જ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત 1 - image

- જિલ્લામાં અકસ્માતના વધુ 3 બનાવ 

- કેરીઆવી પાસે બાઈક સાથે ગાડી અથડાતા મા-દીકરાને અને અન્ય એક બનાવમાં એક મોટરસાયકલ ચાલકને ઈજા

નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાંઠવાડી નજીક ટેમ્પો પલટી જતા એક જ પરિવારના પાંચ સભ્યોને ઇજા થઈ હતી. જ્યારે નડિયાદ પેટલાદ રોડ ઉપર કેરીઆવી નજીક મોટરસાયકલ સાથે ફોરવીલ ગાડી અથડાતા માતા-પુત્રને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉમરેઠ તાલુકાના ભાલેજમાં રહેતા મહમદહનીફ યુસુફભાઈ ઠાકોર તેમના પત્ની અને પરિવારજનો અમદાવાદ ખરીદી કરવા ગયા હતા. અમદાવાદથી ખરીદી કરી સીટીએમથી ટેમ્પોમાં બેસી પરત ઘરે જતા હતા, ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાંઠવાડી નજીક ટેમ્પો પલટી જતા તેમાં બેઠેલા મહમદ હનીફ ઠાકોર, તેમની પત્ની સાહિસ્તા, પુત્રવધુ આશિયાના સનોફરબાનુ અને મહંમદ હૈદરને ઇજા થઇ હતી. આ બનાવની જાણકાર આજુબાજુના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી ૧૦૮માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવમાં પેટલાદ તાલુકાના સુણાવમાં રહેતા અલ્પેશ રમેશભાઈ ઠાકોર તેમની માતા કેપીલાબેનને મોટરસાયકલ પર બેસાડી સંતરામ મંદિરના દર્શન કરવા જતા હતા આ દરમિયાન કેરીઆવી સીમ નજીક ફોરવિલ ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર અલ્પેશ ઠાકોર તેમજ તેમની માતા કપિલાબેનને ઇજા થઈ હતી.જેથી બંનેને ૧૦૮ માં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં ખેડામાં રહેતા ભરતભાઈ રાવળ મોટરસાયકલ પર હરિયાણા નવા બ્રિજ ઉપરથી પસાર થતા હતા, ત્યારે સામેથી આવતી આઇસર ગાડી મોટરસાયકલ સાથે અથડાતા ભરતભાઈ રાવળને ઇજા થઈ હતી. જેથી તેમને ૧૦૮ માં સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે આઇસર ગાડીના ચાલુ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.