‘Say No to Chinese Thread, Yes to Birds’: ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરીના જીવલેણ જોખમને ખાળવા માટે અમદાવાદ શહેરની શાળાઓએ એક પ્રશંસનીય પહેલ કરી છે. શહેરની આશરે 1800 જેટલી શાળાઓના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પક્ષીઓ અને મનુષ્યોના જીવ બચાવવા માટે સામૂહિક સંકલ્પ લીધા છે.
વિદ્યાર્થીઓએ, સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ માંઝા કે કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવો અને અન્યોને પણ રોકવા. જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત જણાય તો તેને તાત્કાલિક સારવાર અપાવવી અને કરુણા અભિયાનમાં સહભાગી થવું. આગની ઘટનાઓ રોકવા માટે આકાશમાં તુક્કલ ન ઉડાડવા સહિતની પ્રતિજ્ઞાઓ લીધી હતી.
અમદાવાદ DEOના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ વિભાગ અને વન વિભાગના સહયોગથી આ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં સેવન્થ ડે સ્કૂલ ખાતે સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષા માટે શપથ લીધા હતા.
માત્ર પતંગની મજા જ નહીં, પણ સાથે સામાજિક જવાબદારીનું પણ પાલન થાય તે હેતુથી શાળાઓમાં આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. શિક્ષકો અને વહીવટી સ્ટાફે પણ આ શપથમાં જોડાઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુહિમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ જીવદયાના સંસ્કારોનું સિંચન કરવાનો અને ઉત્તરાયણના પર્વને લોહિયાળ બનતો અટકાવવાનો છે.


