Gujarat

ઉપરીયાળાના સરપંચ, ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 5 જુગારીયા ઝડપાયા

By GS TEAM
26 Oct 20252 mins read
ઉપરીયાળાના સરપંચ, ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 5 જુગારીયા ઝડપાયા

- પાટડીના ઉપરીયાળા ગામમાં જુગારધામ પર પોલીસનો દરોડો

- રોકડ, મોબાઈલ સહિત રૂ. 33 હજારનો મુદામાલ જપ્ત : સરપંચ, સદસ્ય, પૂર્વ હોદેદાર જુગાર રમતા ઝડપાતા સ્થાનિક રાજકારણ ગરમાયું

પાટડી : પાટડી પોલીસે ઉપરીયાળા ગામેથી જાહેરમાં જુગાર રમતા સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય, ભાજપના પૂર્વ હોદેદાર સહિત પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ સહિતના ૩૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

પાટડી પોલીસે  ઉપરીયાળા ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) કાળુભાઈ ભલુભાઈ ઠાકોર, ઉ.વર્ષ ૫૩ (સરપંચ, ગ્રામ પંચાયત) (૨) મિલન હસમુખભાઈ તરેટીયા, ઉ.વર્ષ ૩૨ (સદસ્ય, ગ્રામ પંચાયત) (૩) કાળુભાઈ ગણેશભાઈ ઠાકોર, ઉ.વર્ષ ૫૩ (પૂર્વ મહામંત્રી ભાજપ બક્ષીપંચ મોરચો) (૪) શંકરભાઈ વશરામભાઈ પટેલ, ઉ.વર્ષ ૫૯ (૫) ઘનશ્યામભાઈ મહાદેવભાઈ પ્રજાપતિ, ઉ.વર્ષ ૪૨ (તમામ રહે.ઉપરીયાળા)ને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ.૧૩,૭૮૦, ચાર મોબાઈલ કિં.રૂ.૨૦,૦૦૦ સહિત કુલ રૂ.૩૩,૭૮૦ના મુદામાલ સાથે જપ્ત કરી પાટડી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. 

બીજી બાજુ ખુદ ગામના જ સરપંચ, સદસ્ય અને ભાજપના પૂર્વ હોદેદાર જુગાર રમતાં ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. સામાન્ય રીતે સરપંચ એટલે ગામનો રાજા કહેવાય અને સમગ્ર ગામમાં પ્રાથમિક સુવિધાઓ સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી સરપંચની હોય છે પરંતુ અહીં તો સરપંચને જ જુગાર રમવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ મામલે જુગારી સરપંચ અને સદસ્ય સામે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ  તેના પર સૌની મીટ મંડાઈ છે.