ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા

- આણંદના વલાસણ ગામ નજીક નહેર પાસે
- 5 યુવાનોને ઈજા : અકસ્માત સર્જનારી નંબર પ્લેટ વગરની કાર પોલીસ કર્મચારીની હોવાનો આક્ષેપ
અમદાવાદના ગોળલીમડાના એજાઝ અહેમદ ગુલામસાબીર કુરેશી પડોશમાં રહેતા ચાર મિત્રો સાથે ગાડી લઈને ખંભાત ખાતે આવેલી દરગાહમાં આવ્યા હતા. રાત્રિના સુમારે પરત ફરતા આણંદ તાલુકાના વલાસણ ગામ નજીક આવેલી મોટી નહેર પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગાડીમાં પંચર પડતા ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી એજાઝ અહેમદ ટાયર ખોલી રહ્યા હતા. જ્યારે અન્ય ચાર મિત્રો નજીકમાં ઊભા હતા. દરમિયાન પુરઝડપે નંબર પ્લેટ વગરની કારના ચાલકે પંચર પડેલી ગાડીને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ નંબર પ્લેટ વિનાની કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કારનું ટાયર બદલી રહેલા એજાઝ અહેમદ અને ચાર મિત્રો ગાડીના ધક્કાથી રોડની સાઈડમાં આવેલી કાંસમાં ખાબક્યા હતા. પાંચે મિત્રોને ઇજાઓ પહોંચતા ૧૦૮ વાન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે એજાઝ અહેમદ કુરેશીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નંબર પ્લેટ વિનાની કારના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.









