ગણપતિ ફાટસર રોડ પર 1 જ વર્ષમાં 5 ફૂટનું ગાબડું

ગાબડુ
પડતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ
તત્કાલીન
પાલિકાના જવાબદાર અધિકારી,
કોન્ટ્રાકટર અને સ્થાનિક સદસ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં
આવે તેવી માંગ
સુરેન્દ્રનગર - 
સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા રોડ, રસ્તાના
નવિનીકરણ અને રિપેરિંગ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાની મોટી મોટી જાહેરાતો
કરવામાં આવે છે. પરંતુ મનપામાં સમાવિષ્ટ રસ્તાઓ હજુ પણ ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય
તેમ લાગી રહ્યું છે. મનપાના વોર્ડ નંબર ૧૧મા આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં સોસાયટીના
રોડ પર મસમોટુ ગાબડું પડતા વાહન ચાલકો સહિત સ્થાનિક રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
છે.
વઢવાણ
ગણપતિ ફાટસર વિસ્તારથી સંવિધાન સોસાયટી તરફ જતા માર્ગ પર એક વર્ષ પહેલા બનેલા
રસ્તા પર અંદાજે ૦૫ ફૂટ જેટલું મસમોટુ ગાબડું પડી જતા કોન્ટ્રાકટરની હલકી ગુણવતાની
કામગીરી સામે આવી છે. જેના કારણે આ સોસાયટીમાં રહેતા રહીશો, મહિલાઓ સહિત વૃદ્ધોને
હાલાકી પડી રહી છે. તેમજ રાત્રિના સમયે વાહન ચાલકોને ગાબડામાં પડી જવાથી અકસ્માતનો
પણ ભય સેવાઈ રહ્યો છે. જે અંગે અનેક વખત સ્થાનિક આગેવાનો સહિત રહીશોએ મનપા તંત્રને
મૌખિક તેમજ લેખીત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા લોકોમાં તંત્ર સામે રોષ
જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ જે તે સમયે સોસાયટીમાં રોડ બન્યો તે સમયે
તત્કાલીન પાલિકા તંત્રના અધિકારી, કોન્ટ્રાકટર અને સ્થાનિક
સદસ્યોની જવાબદારી હતી પરંતુ તેઓની બેદરકારીના કારણે રોડની હલકી ગુણવત્તાની
કામગીરી સામે આવી છે આથી તેમની સામે નોટિસ ફટકારી ખુલાસો માંગી દોષિત જણાઈ આવે તો
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત વિપક્ષના આગેવાનો દ્વારા માંગ
કરવામાં આવી છે.


