Gujarat

ઉત્તરકાશીમાં ફસાયેલા વડોદરાના 5 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરાયા

By GS TEAM
8 Aug 20254 mins read
ઉત્તરકાશીમાં ફસાયેલા વડોદરાના 5 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરાયા



વડોદરાથી ચારધામની યાત્રાએ ગયેલ પાંચ મિત્રોનું ગ્રુપ ગંગોત્રી ધામ ગંગાદેવી મંદિરે માતાજીના દર્શન કરી પરત ફરતા સમયે કુદરતી આપદાના કારણે ફસાઈ જતા આજે સવારે તમામનું હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેઓ સુરક્ષિત રીતે ઘરે પહોંચે તેવી પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે.

ગઈ તા. 5 ઓગસ્ટના રોજ બપોરે ધરાલી ગામ પાસે પહાડોમાં વાદળ ફાટવાની ઘટના સાથે ખીર ગંગા નદીમાં પૂરના તેજ રફ્તાર પાણી સાથે કાદવ અને પથ્થરો ધરાલી ગામ તરફ ઘસી જતા આંખના પલકારામાં આખું ગામ તબાહીનો ભોગ બનતા દટાઈ જતા ચારે તરફ અફરાતફરી સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. આ ભયાનક કુદરતી આપદામાં દેશભરમાંથી ગયેલા અનેક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અસરગ્રસ્ત થયા છે. કેટલાક લોકો ગુમ છે તો કેટલાકના સંપર્ક તૂટી જતા તેઓના પરિવારજનો ચિંતિત છે. ગુજરાત રાજ્યના અલગ- અલગ શહેરોમાંથી 141થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. રાજ્ય સરકાર પ્રવાસીઓને પરત લાવવાની કાર્યવાહી કરી રહ્યું છે. આજે આપદાના ચોથા દિવસે ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની બચાવ ટીમો સતત રેસ્ક્યુ કામગીરીમાં છે. પ્રભાવિત ક્ષેત્રોમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું એમઆઈ 17 અને ચિનૂક હેલિકોપ્ટરની મદદથી યુદ્ધના ધોરણે સુરક્ષિત રેસ્ક્યુ કરી ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે સવારે 128 જેટલા લોકોને એરલિફ્ટ કરી માતલી હેલીપેડ ખાતે લઈ જવાયા હતા.અત્યાર સુધી 700થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હર્ષિલથી ધરાલી વચ્ચે ત્રણ કિલોમીટરનો માર્ગ ચાર સ્થળે ધોવાઈ જતા પરિસ્થિતિ વણસી છે.

હર્ષિલ અને ધરાલી ખાતે અનેક રસ્તાઓ અને એક બ્રિજ તૂટી જતા મુશ્કેલી વધી

ઉતરાખંડ સરકાર અસ્તવ્યસ્ત જીવનને પાટા પર લાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ધોવાણ થયેલા માર્ગોનું પૂરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, હર્ષિલ અને ધરાલી ખાતે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, એક બ્રિજ પણ તૂટી ગયું છે. ચાર મોબાઈલ ટાવર ધરાશાયી થઈ જતા નેટવર્ક સેવા ખોરવાઈ હતી. આ રસ્તાઓનું સમારકામ ન થાય અને કાટમાળ ન હટે ત્યાં સુધી ત્યાં સુધી અવરજવર અશક્ય છે. એક અંદાજ મુજબ 20થી વધુ દિવસો પરિસ્થિતિ થાળે પડતા લાગી શકે તેમ છે.

વડોદરાના 5 કોલેજ મિત્રોનું ગ્રુપ ચારધામ અને તંગુનાથની જાત્રાએ હોય ગંગોત્રી ફસાયા હતા

વડોદરાથી કોલેજ સમયના 5 મિત્રોનું ગ્રુપ ચારધામ અને તંગુનાથની યાત્રાએ નીકળ્યું હતું.  તેઓ ગંગોત્રી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે સમયે ગંગોત્રી ક્રોસ કરી એક કિમી બાદ આર્મી જવાનોએ આગળ ભૂસ્ખલન થયું હોવાથી જતા અટકાવ્યા હતા. અને તેઓ પરત ગંગોત્રી એક હોટલમાં આશ્રય લીધા બાદ ઘટના ફસાયા હતા. જેમાં પવન ચોટવાણી (વારસિયા), હેમંત મલગાંવકર (ઉંડેરા), ટ્વિંકલ શાહ (વાઘોડિયા રોડ), ચેતન ખટીક (વડસર) અને આરતી પટેલ (વાસણા ભાયલી રોડ) નો સમાવેશ થાય છે. આર્મી કેમ્પ ખાતે વાઇફાઇની સુવિધા કાર્યરત હોવાથી પોતે સુરક્ષિત હોવાનો મેસેજ પરિવારને આપ્યો હતો. આજે સવારે તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરી ઉત્તરકાશી આર્મી કેમ્પ ખાતે લઈ જવાયા હતા. હાલ તેઓ ઉત્તર કાશીની એક હોટલમાં આશ્રય લઈ રહ્યા છે. પોતે સુરક્ષિત હોવાની પરિવારને જાણ કરતા હાશકારો થયો છે. તેઓની સાથે રહેલ ડ્રાઈવર ગૌતમકુમાર તથા ટુરિસ્ટના અન્ય તમામ ડ્રાઈવરો હાલ ત્યાં જ રોકાઈ ગયા છે.

વડોદરાના શ્રદ્ધાળુએ ભયાનક આપદાનો ચિતાર  વર્ણવ્યો

વડોદરાના હેમંત મલગાંવકરએ આ ભયાનક આપદાનો ચિતાર વર્ણવતા જણાવ્યું હતું કે,  ભારે વરસાદ વચ્ચે અચાનક તેજ પાણીના પ્રવાહ સાથે મલબો ઘસી આવતા આંખના પલકારે ધરાલી ગામ સાફ થઈ ગયું હતું. લોકોને બચાવ કરવાનો મોકો ન મળતા ભારે કરુણાંતિકા સર્જાઇ છે. બે માળ સુધી કાદવ - કીચડ અને કાટમાળના ઢગલા છે. અમારી નજર સમક્ષ 2 બસો સહિત 8 વાહનો મલબામાં જતા રહ્યા હતા. જે પૈકી ગુજરાતની તથા પુણેની એક એક ગાડીઓમાં અંદાજે 41 લોકો સવાર હતા. આ ઉપરાંત ગુજરાતના 7 લોકોનું ગ્રુપ પણ જમણવાર કરી રહ્યું હતું તેમને પણ બચવાનો મોકો મળ્યો નથી તેવું જાણવા મળ્યું છે. વડોદરાના 27 લોકો હોવાની માહિતી જાણવા મળી છે. જેમાં વાઘોડિયાથી છ યુવકો આવ્યા હતા. સાથે ક્રિકેટ રમતા હોવાથી તેમને ઓળખું છું. ગંગોત્રી ખાતે અમે ઉપર જઈ હતા તે સમયે તે લોકો નીચે ઉતરી રહ્યા હતા. હાલ તેઓ અંગે કોઈ જાણકારી નથી. બે દિવસ બાદ ઓપરેશન શરૂ થઈ શક્યું હતું. ઉત્તરાખંડ સરકાર તરફથી રૂમ ,મેડિકલ, ખાદ્ય સામગ્રી સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ગંગોત્રી મંદિર ખાતે સંસ્થા દ્વારા ભંડારા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. અમે ગુજરાત પરત ક્યારે આવીશું તે અંગે કોઈ માહિતી નથી.