આવતીકાલથી શરુ થશે 5 દિવસનો માધવપુરનો મેળો, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના યોજાશે લગ્ન
Madhavpur Fair, Porbandar : ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આવતીકાલથી ઘેડના મેળાની ભવ્ય `શરુઆત થશે. આ મેળો આગામી 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં 8 એપ્રિલના રોજ શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના લગ્ન યોજાશે.
આવતીકાલથી પાંચ દિવસ માધવપુરનો મેળો થશે શરુ
સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં યોજાવનારા માધવપુર મેળામાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળશે. આ સાથે મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના હસ્તકલાના કારીગરોને સ્ટોલ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. માધવપુર ઘેડ મેળામાં ચાર દિવસ બાદ પાંચમા દિવસે દ્વારકામાં માતા રુક્ષ્મણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઉજવાય છે.