રાજકોટ જિલ્લામાં હાઈવેના 3 સહિત 5 પૂલો જર્જરિત,ચકાસણીનો આદેશ
વીરપુર પાસે, જેતપુર-દેરડી વચ્ચે અને ભાદર નદી ઉપર નવાગામ-આણંદપર પાસેના જર્જરિત પૂલને વાહન વ્યવહાર માટે બંધ કરવા તજવીજ : કાલાવડ રોડના પુલની મરમ્મત થશે
રાજકોટ,: ગંભીર બેદરકારીથી ગંભીરા બ્રિજ ધસી પડતા અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યાની ઘટનાથી આવી ઘટના પછી દરેક વખતે અલ્પકાલીન જાગતા સરકારી તંત્રએ રાજ્યભરમાં પૂલોની તપાસ કરવા સૂચના આપી છે.આ અન્વયે રાજકોટ શહેર,િજિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના ત્રણ પૂલો અને માર્ગ-મકાન વિભાગ હસ્તકના બે સહિત પાંચ પૂલો નબળા પડયાની લોક ફરિયાદો અન્વયે કલેક્ટરે તમામ પૂલોની સેફ્ટી ચકાસીને બે દિવસમાં રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના (1) વીરપુર (જલારામ) પાસે (2) જેતપુર અને દેરડી વચ્ચેના રસ્તા પર અને (3) ભાદર નદી ઉપરના એમ ત્રણ પૂલની હાલત નબળી હોવાની ફરિયાદો છે. જ્યારે રાજકોટ શહેરમાં રૂડા પાસેથી હવે માર્ગ મકાન વિભાગ હસ્તક આવેલા (1) નવાગામ આણંદપર પાસેના રાજાશાહી વખતના પૂલની હાલત અત્યંત જર્જરિત છે અને ત્યાં ગોડાઉન,ટ્રાન્સપોર્ટ ઓફિસો આવેલી હોય ભારે વજનદાર વાહનોની તેના પરથી સતત અવરજવર રહે છે. આ અંગે પીડબલ્યુડીના સૂત્રોએ જણાવ્યું કે આ પૂલ ટ્રાફિક માટે બંધ કરવા પ્રક્રિયા શરૂ કરી છે. (2) રાજકોટના કાલાવડ રોડ પર નદી ઉપરનો એક પૂલ નબળો પડયાનું બહાર આવ્યું છે પરંતુ, તેની સેફ્ટી મુદ્દે ખાસ વાંધાજનક નહીં હોવાનો રિપોર્ટ છે.