- પૈસાની હારજીતનો જુગાર રમતો હતો
- રોકડ રકમ રૂ. 15 હજારની મત્તા જપ્ત, પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી આદરી
આણંદ : બોરસદ ગ્રામ્ય પોલીસે નાપા વાટા ગામના નારપુરા રોડ ઉપર ચાલતા જુગારધામ ખાતેથી પાંચ શખ્સો પત્તા પાનાનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે રૂપિયા ૧૫,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે સ્થળ ઉપરથી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.
નાપા વાટા ગામના નારપુરા રોડ ઉપર સલીમ રાણાના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં મયુદ્દીન ઈસુભા રાણા અને સલીમ ચંદ્રસિંહ રાણા ભેગા મળી પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યાં હોવાની બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે છાપો મારતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી. પોલીસે કોર્ડન કરીને ઘટનાસ્થળેથી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા, જ્યારે ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સોના નામઠામ અંગે પૂછતા શખ્સોએ મોહસીન ઈસુભા રાણા, સલીમ ચંદ્રસિંહ રાણા, ફિરોજ ઈસુભા મલેક, સોહીલ રસીદ ખાન રાણા અને છત્રસિંહ ગેમલસિંહ રાણા તમામ (રહે. નાપા વાટા)નો સમાવેશ થાય છે. પોલીસે ફરાર થઈ ગયેલ શખ્સો અંગે પૂછપરછ કરતા મયુદ્દીન ઈસુભા રાણા જે આ જુગાર ધામ ચલાવતો હતો અને ઈરફાન ઉર્ફે ગાંધી રાણા તથા તોસીફ રાણા અને ચીમન તળપદા (તમામ રહે. નાપા વાટા) ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રોકડા રૂપિયા ૧૫,૮૦૦ કબજે લઈ ઝડપાયેલ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


