જામનગર શહેરમાં કેટલ પોલીસીની અમલવારીના અનુસંધાને અલગ-અલગ સાત વિસ્તારમાંથી વધુ 5,920 કિલો ઘાસ જપ્ત કરાયું
Jamnagar Cattle Policy : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કેટલ પોલિસીનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે, અને શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક ઘાસચારાના વિક્રેતાઓ હજુ પણ ગેરકાયદે રીતે શહેરી વિસ્તારમાં ઘાસચારાનું જાહેરમાં વેચાણ કરી રહ્યા હોવાથી તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે શહેરના અલગ અલગ સાત જેટલા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટુકડી દોડતી થઈ હતી. એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ રાજભા જાડેજા ઉપરાંત દીપક પટેલ, ઉર્વશી મકવાણા, રમેશ બાબરીયા, અશોક પ્રજાપતિ સહિતની અલગ અલગ ટીમો દ્વારા શહેરના શંકર ટેકરી વિસ્તાર, 80 ફૂટ રીંગ રોડ, કાલાવડ નાકા બહારનો એરિયા, હરિયા કોલેજ રોડ, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી, નવાગામ ઘેડ, ઇન્દિરા માર્ગ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી 5,920 કિલો ઘાસ જપ્ત કરી લેવામાં આવ્યું છે, અને મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા ત્રણ ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે.