મંડળી સાથે સાંઠગાંઠ કરી નાણાં અધરો અધર ટ્રાન્સફર કરી લીધા ઈન્ચાર્જ બેંક મેનેજર, અન્ય અધિકારી, કર્મચારીઓ, મંડળીના હોદ્દેદારો સહિત 14 સામે ફરિયાદ, 7 કર્મચારી સસ્પેન્ડ : 2019થી માર્ચ- 2023 સુધીમાં કોઠારીયા શાખાના સાત કર્મચારીએ ઉચાપત કરી, સૂત્રધારને 3 મહિના પહેલાં અલગ બાબતે સસ્પેન્ડ કરાયો
જૂનાગઢ, : માણાવદર તાલુકાના કોઠારીયા ગામમાં આવેલી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની શાખામાં મેનેજર સહિતના અધિકારીઓ તેમજ મંડળીના હોદ્દેદારોએ ધિરાણના નામે અધરોઅધ્ધર વહિવટ કરી પૈસા અંગત ઉપયોગમાં લીધા હતા. બેંક દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા બેંકમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમ્યાન કુલ 5.37 કરોડનું કૌભાંડ સામે આવતાં આ મામલે આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડેપ્યુટી મેનેજરે કોઠારીયા શાખાના ઈન્ચાર્જ મેનેજર સહિતના કર્મચારીઓ, રીલીવર તેમજ કોઠારીયા અને દગડ મંડળીના હોદ્દેદારો સામે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં બેંકના ઈન્ચાર્જ મેનેજર સહિત સાત કર્મચારીઓને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ બનાવથી સહકારી ક્ષેત્રે ચકચારી વ્યાપી ગઈ હતી.
માણાવદર તાલુકાના કોઠારીયા ગામમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની શાખા આવેલી છે. તા.11-4-2023 ના કોઠારીયા શાખાના મેનેજર નિલેશભાઈ પાનેરાએ તપાસ કરતા કોઠારીયા વિવિધ કાર્યકારી સહકારી મંડળી લીમીટેડ અને દગડ સેવા સહકારી મંડળીના ધિરાણ ખાતાઓ તે મંડળીના સરવૈયા સાથે મળતા ન હોવાની તેમજ મોટી રકમનો તફાવત આવતો હોવાની જૂનાગઢ સહકારી બેંકની હેડ ઓફિસે જાણ કરી હતી. જેથી બેંકની માણાવદર શાખાના મેનેજર એલ.કે. વિછીને કોઠારીયા શાખામાં તપાસ કરવા મોકલાયા હતા. પ્રાથમિક તપાસમાં મોટી રકમનો તફાવત આવતો હોવાનું સામે આવ્યું હતું અને ઉંડાણપુર્વક તપાસ કરવા મુખ્ય શાખાના સીઈઓને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ તા.૧ર એપ્રિલથી 13 એપ્રિલ દરમ્યાન બેંકના અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસના અંતે કોઠારીયા શાખાના ઈન્ચાર્જ બ્રાન્ચ મેનેજર હાર્દિક ખેંગાર જલુએ સિનીયર ઓફિસર ઘેલા કાના ચાવડા, કુતિયાણા શાખાના જુનિયર ઓફિસર જગદિશ કરશન જલુ, કોઠારીયા શાખાના કલાર્ક કરશન અરશી પાનેરા, માણાવદર શાખાના કલાર્ક કાના વિરા જલુ, સરદારગઢ શાખાના જુનિયર ઓફિસર નિતેશ રાજા ચાવડા અને વંથલી શાખાના કલાર્ક જયુ જેન્તી રાખશીયા સાથે મળી કોઠારીયા વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સંચાલક અને દગડ સેવા સહકારી મંડળીના મંત્રી મનસુખ ગોવિંદ બાલાસરા, કોઠારીયા મંડળીના મંત્રી અશોક ઘેલા સોલંકી, સહમંત્રી કેતન નાજા મરંઢ અને કોઠારીયા મંડળીના પ્રમુખ દિલીપ અરજણ ચાવડા સાથે મળી તેમજ દગડ સહકારી મંડળીના પ્રમુખ દેવદાન જેશીંગ કાનગડ તેમજ દિપક ભાયા ભારવાડીયાની મદદગારીથી બેંકમાં કરોડો રૂપીયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.
બેંકના ઈન્ચાર્જ મેનેજર તેમજ કર્મચારીઓએ તેના કાર્યકાળ દરમ્યાન કોઈપણ જાતના વાઉચર કે ચેક લીધા વગર અધરોઅધ્ધર ગેરકાયદેસર રીતે એકબીજાના તથા અન્યના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી લીધા અને છેલ્લે આ નાણાં વિડ્રોલ કરી નેફટ તેમજ આરટીજીએસ અને ચેકથી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
તપાસ દરમ્યાન હાર્દિક જલુ તથા ઘેલા ચાવડાએ તા.20-11-2020 ના 1.50 લાખ ઉધારી તે રકમ કાંતીભાઈ સાપરીયાના ખાતામાં અધરોઅધ્ધર જમા કરી હતી. ત્યાંથી હાર્દિક જલુના ખાતામાં જમા લીધી હતી અને તે રકમ હાર્દિકે ઉપાડી લીધી. તા.5-10-2020 ના 2.50 લાખ ઉધારી નાણાં રાજેશભાઈ બાલાસરાના ખાતામાં અધરોઅધ્ધર જમા કરી ઉપાડી લીધા હતા. આવી રીતે 45 લાખ, 18 લાખ, 29 લાખ, 9 લાખ, 10 લાખ, 15 લાખ, 38 લાખ અધરોઅધ્ધર ઉપાડી અંગત ઉપયોગમાં લીધા હોવાનું સામે આવ્યું હતું. આમ, કુલ 5.37 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું. જેના અનુસંધાને જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ડેપ્યુટી મેનેજર ગોરધનભાઈ મોહનભાઈ વાવૈયાએ બી ડીવીઝનમાં કોઠારીયા શાખાના ઈન્ચાર્જ મેનેજર, સિનીયર ઓફિસર, કુતિયાણા શાખાના જુનિયર ઓફિસર, દગડ અને કોઠારીયા સહકારી મંડળીના હોદ્દેદારો, બેંકના રીલીવર સહિત 14 વ્યકિત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, 2019થી લઈ તા. 31-3-2023 સુધીમાં કોઠારીયા શાખામાં નોકરી કરતા સાત કર્મચારીઓએ અલગ-અલગ સમયે કુલ 5.37 કરોડથી વધુની ઉચાપત કરી છે. આ કૌભાંડના મુખ્ય સુત્રધાર હાર્દિક ખેંગાર જલુને ત્રણ મહિના પહેલા એક અલગ બાબતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય સાત કર્મચારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


