ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કર્યા

- 100 ના સ્લેબમાં ભક્તોને મંદિરમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ
- મંદિર બહાર મંગળા આરતી માટે આખી રાત દર્શનાર્થીઓનો જમાવડો : હોટેલો, ગેસ્ટહાઉસ હાઉસફૂલ : પદયાત્રીઓ ઓટલાઓ પર સૂવા મજબૂર
ડાકોર નગરમાં કાર્તિકી પૂનમની પૂર્વ સંધ્યા મંગળવારે જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ સહિતના શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. ડાકોરમાં તેરશ, ચૌદશ અને પૂનમમાં વડોદરા, સુરત, આણંદ, મુંબઈ અને વિદેશથી પણ ભક્તો ઠાકોરજીના દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે ડાકોર નગરની તમામ ગેસ્ટહાઉસ, હોટેલો, ધર્મશાળાઓ હાઉસફૂલ હોવાથી રાત્રી દરમિયાન ગલીઓમાં ઓટલાઓ ઉપર દર્શનાર્થીઓ સુઈ જવા મજબૂર બન્યા હતા. પૂનમે ઠાકોરજીની મંગળા આરતી કરવા માટે આખી રાત મંદિરની બહારના ચોકમાં શ્રદ્ધાળુઓ દર્શન ખુલવાની રાહ જોતા બેસી રહ્યા હતા. ઠંડી અને પરોઢિયે ધૂમ્મસના કારણે પણ ભક્તોને હાલાકી ભોગવવી પડી હતી. સવારે ૪.૩૦ કલાકે મંગળા આરતી કરાઈ હતી. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓને અગવડ ના પડે તે હેતુથી રણછોડસેનાના સ્વયંસેવકોને ખડેપગે રાખવામાં આવ્યા હતા. અંદાજે ૧૦૦ના સ્લેબમાં ભક્તોને મંદિર પરિસરમાં દર્શનાર્થે મોકલવામાં આવતા હતા.
ડાકોરના તમામ વિસ્તારમાં ઠેર ઠેર ભક્તોની ભીડ જોવા મળી હતી. કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રસાદ, રમકડાં, ખાણીપીણી, વાસણ સહિતના વેપારીઓને કાર્તિકી પૂનમ લાભદાયી નીવડી હોવાથી ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

