ઈલેકટ્રિક બસ દીઠ ૫.૨૫ કરોડ ખર્ચાશે, BRTS-AMTS માટે ૩૪૩ ઈ-બસ ખરીદવા ૧૮૦૦ કરોડનો ઓર્ડર અપાયો
૨૬૦ ઈ-બસનો ઓર્ડર અપાયો હોવાનુ સ્વીકારી ડીલ અંગેની વિગત આપવાનુ ટાળતા જનમાર્ગના અધિકારી
અમદાવાદ,બુધવાર,25
ડિસેમ્બર,2024
અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા હાલમાં વિવિધ રુટ ઉપર ૨૦૦
જેટલી ઈલેકટ્રિક બસ દોડાવવામા આવી રહી છે.બસના કાફલામાં વધુ ઈલેકટ્રિક બસનો સમાવેશ
કરવા જેબીએમ ઓટો લિમિટેડને રુપિયા ૧૮૦૦ કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે.ઈલેકટ્રિક
બસ દીઠ રુપિયા ૫.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.જનમાર્ગ તરફથી ઈલેકટ્રિક બસ અંગે
કરવામા આવેલા ડીલને લઈ ૨૬૦ ઈ-બસનો ઓર્ડર અપાયો હોવાનુ સ્વીકારી ડીલ અંગે વધુ વિગત
આપવાનુ જનમાર્ગના અધિકારીએ ટાળી દીધુ હતુ.
અમદાવાદમાં ઈલેકટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવાની નિતી
અનુસાર,બી.આર.ટી.એસ.ની
૨૦૦ જેટલી બસ વિવિધ રુટ ઉપર દોડાવવામા આવી રહી છે. આ ઈલેકટ્રિક બસોમાં જેબીએમ ઓટો
લીમીટેડની પણ ઈલેકટ્રીક બસ દોડાવવામા આવી રહી છે.૨૨ ડિસેમ્બર-૨૪ના રોજ કંપની તરફથી
અમદાવાદ જનમાર્ગ લીમીટેડ સાથે કરવામાં આવેલા ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવી
હતી.કંપની દ્વારા કરવામા આવેલી જાહેરાત મુજબ,જેબીએમ
મોબીલીટી પ્રા.લી.ને અમદાવાદ જનમાર્ગ લી.તરફથી ૩૪૩ ઈલેકટ્રીક બસ માટે ઓપરેશન એન્ડ
મેઈન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે.રુપિયા ૧૮૦૦ કરોડની રકમનો કંપનીને
આપવામા આવેલો આ કોન્ટ્રાકટ એક વર્ષના સમયમાં પુરો કરવામાં આવશે.
જનમાર્ગે ૨૬૦ ઈલેકટ્રીક બસનો ઓર્ડર આપ્યો છે,પ્રણવ બારોટ
અમદાવાદ જનમાર્ગ લીમીટેડના અધિકારી પ્રણવ બારોટને ઈલેકટ્રિક
બસ અંગે આપવામા આવેલા ઓર્ડર અંગે પુછવામાં આવતા તેમણે કહયુ, જેબીએમ ઓટો
લીમીટેડને જનમાર્ગ તરફથી ૨૬૦ ઈલેકટ્રિક બસનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઈલેકટ્રિક
બસ પૈકી ૨૦૦ ઈલેકટ્રિક બસ બી.આર.ટી.એસ. તથા ૬૦ બસ એ.એમ.ટી.એસ.માટે ઉપયોગમાં લેવામાં આવશે.એક ઈલેકટ્રિક બસ પાછળ
કેટલી રકમનો ખર્ચ કરાશે,કુલ
કેટલી રકમનો ઓર્ડર જેબીએમ ઓટો લીમીટેડને આપવામા આવ્યો છે એ અંગેની વિગત આપવાનુ
ટાળી દેતા તેમણે કહયુ,જનમાર્ગ
લીમીટેડની બેઠકમાં વિગત મંજૂર કરવામા આવ્યા પછી જ આપી શકાશે.