૪૯ કૃત્રિમ વિસર્જન કુંડ ઉપર અમદાવાદમાં ૧૧ હજારથી વધુ નાની-મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન
ભાવિકોએ શ્રીજીને આધિ-વ્યાધિ અને ઉપાધિ દુર કરવા વિનંતી કરીને વિદાય આપી
અમદાવાદ,શનિવાર,6 સપ્ટેબર,2025
દસ દિવસથી ચાલતા ગણેશ મહોત્સવના અંતિમ દિવસ સુધી એટલે કે
અંનત ચતુર્દશીના દિવસે મોડી રાત સુધીમાં અલગ અલગ વિસ્તારમાં બનાવાયેલા ૪૯ કૃત્રિમ
વિસર્જન કુંડ ઉપર ભાવિકો દ્વારા ભગવાન ગણેશની નાની અને મોટી મૂર્તિ મળીને ૧૧
હજારથી વધુ મૂર્તિ વિસર્જિત કરી હતી. મોટી મૂર્તિના વિસર્જન માટે ક્રેઈનનો ઉપયોગ
કરવામા આવ્યો હતો. અંતિમ દિવસે ભાવિકોએ શ્રીજીને આધિ, વ્યાધિ અને ઉપાધિ
દુર કરવાની વિનંતી સાથે સજળ નેત્રે વિદાય આપી હતી.
૨૭ ઓગસ્ટથી શરુ થયેલા ગણેશ મહોત્સવ દરમિયાન શહેરીજનોએ તેમના
ઘરમાં સ્થાપિત કરેલી શ્રીજીની મૂર્તિ ઉપરાંત ૧૫૦ પંડાલ સહીત ૬૦૦થી વધુ લોકેશન ઉપર
સામૂહીક ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ
દ્વારા રોજેરોજ મૂર્તિઓ એકઠી કરવા માટે ૪૯ વિસર્જન કુંડ ઉપર ૧૯૦ સફાઈ કામદાર
ઉપરાંત ૧૫૦ વેસ્ટ કલેકશન માટેના ડસ્ટબીન મુકવામા આવ્યા હતા.આ ઉપરાંત ૩૧ જે.સી.બી., ૮૦ ટ્રક મુકવામા
આવી હતી.
મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા ગણેશ મૂર્તિ વિસર્જનને લઈ સંસ્કાર કેન્દ્ર,પાલડી, ફુલ બજાર,જમાલપુર, પરોઠા ગલી,ટાઉનહોલ, વિકટોરીયા ગાર્ડન
ઉપરાંત દશામા મંદિર,જુનાવાડજ, કેમ્પ હનુમાન
સામે,દશામાના
મંદિર પાસે સ્વાગત સ્ટેજ બનાવાયા
હતા.૨૪૫થી વધુ ફાયરના જવાનોને અલગ અલગ વિસર્જન કુંડ ઉપર રેસ્કયૂની કામગીરી માટે
ફરજ ઉપર મુકાયા હતા.ગણેશ મૂર્તિ એકત્રિત કરવાની સાથે પૂજાની સામગ્રી,ચૂંદડી,માળા તથા મુગટ
મળીને ૨૧૯૮ કિલોગ્રામ તેમજ ૨૧૫૮ કિલોગ્રામ
ફુલોનો કચરો એકઠો કરવામા આવ્યો હતો.
માળા,મુગટમાંથી
શણગારની ચીજો બનાવાશે
કોર્પોરેશન દ્વારા ૨૧૯૮ કિલોગ્રામ મૂર્તિના શણગારની ચીજો
એકઠી કરવામા આવી છે.માળા,મુગટ
સહીતની અન્ય સામગ્રીને રીડયુસ ,રીસાયકલ
અને રીયુઝ થીમ હેઠળ આગામી દિવસોમાં રીસાયકલ કરીને શણગારની ચીજો બનાવાશે.
ઝોન મુજબ એકત્રિત કરાયેલી મૂર્તિઓ
ઝોન મૂર્તિઓની
સંખ્યા
પૂર્વ ૪૫૫
પશ્ચિમ ૪૧૫૭
ઉત્તર ૧૭૧૮
દક્ષિણ ૫૦૦
મધ્ય ૨૮૬૩
ઉ.પ. ૩૮૧
દ.પ. ૫૧૪