ટોકન ન મળતા જખૌમાં અન્ય જિલ્લાની 482 બોટ અટકી પડી
ઓપરેશન સિંદૂરના પગલે આદેશ થતાં નારાયણસરોવર, લખપત અને જખૌ દરિયા વિસ્તારમાં માછીમારી પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ હજુય યથાવત
ભુજ, : નિકાસકક્ષાની ઉચ્ચ કિંમતની માછલીઓના વિપુલ ભંડાર સમા કચ્છના જાણીતા જખૌ બંદર ઉપર માછીમારી માટે સ્થાનિક ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, નવસારી સહિતના ગુજરાતના જિલ્લામાંથી માછીમારો પોતાની બોટ સાથે ઉતરી પડતા હોય છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂરના પગલે કચ્છના ત્રણ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર જખૌ, લખપત અને નારાયણ સરોવરના દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાગી જતાં અન્ય જિલ્લાના માછીમારો વતન પણ પરત ફરી શકતા નથી તેમની બોટો બંદર ઉપર અટકી ગઈ છે.
આ બાબતે ભુજ સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરીના અધિક્ષકને પૂછતાં તેમણે જણાવ્યું કે, તા. 7મી મેના ગેજેટમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 ક્રમાંક 8ની કલમ 7ની પેટા કલમ 1 થી મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકારે આગામી આદેશ ન થાય ત્યાં સુધી નારાયણ સરોવર, જખૌ અને લખપત ઉતરાણ કેન્દ્રના દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. કચ્છના ૧૫ પૈકી ત્રણ મત્સ્ય બંદર પર જ પ્રતિબંધ છે અન્ય પર માછીમારી ચાલુ છે.
દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે જવા માછીમારોએ પોતાના મોબાઈલની એપ્લીકેશન મારફતે ઓનલાઈન ટોકન મેળવવાના હોય જે ગાંધીનગરથી જનરેટ થાય. આ ટોકન ન મળવાથી જો કોઈ માછીમારી બોટ આ ત્રણ મત્સ્ય બંદરના દરિયાઈ વિસ્તારમાં જાય તો મરીન પોલીસ બોટ જપ્ત કરી લે તેમ હોવાથી બોટ બંદર પર લાંગરેલી પડી છે.
તાજેતરમાં વાવાઝોડા જેવા વાતાવરણને પગલે ગુજરાતના તમામ બંદર બંધ કરાયા હતા જે ત્રણેક દિવસ બાદ ખોલી નખાયા પણ ઓપરેશન સિંદૂરની સ્થિતિના પગલે પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી આ ત્રણ બંદરો પર પ્રતિબંધ લગાવાયો છે. આમ પણ તા.1-6 થી માછીમારીની બંધ સિઝન શરૂ થઈ તા.૧૫-૮ સુધી દર વર્ષે ભારત સરકાર જે તારીખો જણાવે ત્યાં સુધી બંધ રહેતી હોય છે.
હાલે જખૌમાં સ્થાનિકની 198 જ્યારે અન્ય જિલ્લામાંથી આવેલી 482 સહિત 680 બોટ, નારાયણસરોવરમાં 44 બોટ લાંગરેલી પડી છે. લખપતમાં કોઈ રજિસ્ટ્રેશન થયું નથી. મત્સ્ય મંડળીઓ દ્વારા જિલ્લા કચેરી અને રાજ્ય કક્ષાએ ટોકન મળવાની રજૂઆત કરતાં ઉમેર્યું છે કે માછીમારી બંધ થઈ જતાં રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે.