ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો
Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના ધ્રોલથી જોડિયા તરફ જવાના માર્ગે રેઢી પડેલી એક કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો મળી આવ્યો છે. ધ્રોલ પોલીસે રૂપિયા 12.46 લાખની માલમતા કબજે કરી વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.
ધ્રોળની પોલીસ ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોળ જોડીયા તરફના માર્ગે એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે, જેથી ગઈકાલે રાત્રિના સવા બારેક વાગ્યાના અરસામાં ધ્રોલની પોલીસ ટુકડી જોડિયા રોડ તરફ દોડી ગઈ હતી.
જે દરમિયાન રસ્તામાં એચ.આર.70 જી. 6087 નંબરની એક ક્રેટા કાર રેઢી પડેલી મળી આવી હતી. જેથી પોલીસે કારની તલાસી લેતાં તેની અંદરથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા 12,46,780 ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે દારૂના ધંધાર્થી અથવા કાર માલિકની શોધખોળ હાથ ધરી છે.