મોરબીમાં 46 વર્ષ પહેલા સર્જાયેલી હોનારતમાં હજારો લોકોએ જળ સમાધિ લેતા શહેર બન્યું હતું સ્મશાન
Morbi Honarat: 46 વર્ષ પહેલા 11મી ઓગસ્ટ 1979ના રોજ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટી જતા જળ હોનારત સર્જાયું હતું. મચ્છુ-2 ડેમની દીવાલ તૂટી જતા માનવ ઈતિહાસે અગાઉ ક્યારેય ના જોયો હોય તેવી હોનારત સર્જાઈ હતી. પાણીના પ્રવાહમાં લોકો, પશુઓ તણાઈ ગયા હતા અને એક-બે કલાકના સમયમાં તો મોરબી શહેરને તારાજ કરી નાખ્યું હતું. આજે આ જળ હોનારતના વર્ષો વીતી ચૂક્યા છતાં 11મી ઓગસ્ટના એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.
આજે પણ એ ગોઝારા દિવસને યાદ કરતા લોકો ધ્રુજી ઉઠે છે
એ ગોઝારા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી, 11-08-1979ના રોજ મોરબીમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી. તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ સમાવી શક્યો નહતો. આખરે બપોરે ડેમ તુટ્યો અને જોતજોતામાં મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઈ ચૂક્યું હતું. માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઈને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી. પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણકે નીચે પાણી પાણી હતા, તો જે લોકો ઈમારત અને મકાનો ઉપર ચઢીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના શકતા જમીનદોસ્ત બની ગઈ હતી.
મોરબીમાં ઠેર ઠેર માનવ મૃતદેહ પડ્યા હતા
હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને, મિલકતોને ક્યાય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિઃસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતાં દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલા માનવ મૃતદેહ પડ્યા હતા. તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી, હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યાં હતા.
આ દુર્ઘટના પછી તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને આખું મંત્રી મંડળ, સચિવાલય, મોરબીમાં કાર્યરત કરી રાહત કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવકોના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું
મોરબીમાં જળપ્રલય થયો ત્યારે ભારત સરકાર અજાણ હતી અને અમેરિકાથી ફોન આ અંગે ફોન આવ્યો અને સરકારને જાણ કરી હતી. અમેરિકાથી દિલ્હી ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે, ગુજરાતની મચ્છુ નદીનો ડેમ તુટ્યો છે અને વિનાશ વેરી રહ્યો છે, ત્યારે તંત્ર જાગ્યું હતું. અમેરિકાની સેટેલાઈટ દ્વારા મોરબીમાં જળહોનારતની માહિતી મળી હતી.