Gujarat

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી

By GS TEAM
1 Jan 20261 min read
નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી

રાજકોટ ડિવિઝનમાં જ વર્ષ- 2025માં રેલવે પોલીસે 339 મુસાફરોને રૂ. 40 લાખનો સામાન પરત કર્યો : વિખૂટા પડેલાં 24 બાળકો સહિત 32 મુસાફરોને પરિવાર સુધી પહોંચાડયા

રાજકોટ, : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયું હતું. જેમાં ખાસ તો ઓપરેશન સમય પાલન અંતર્ગત ટ્રેનોની ગતિ ન અટકે તે માટે કોઈ નક્કર કારણ વગર ચેઈન પુલિંગ કરનારા 454 મુસાફરોની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે મુસાફરોને જાગૃત પણ કરવાની ઝુંબેશ પણ આખું વર્ષ ચાલુ રાખવામાં આવી હતી. 

વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 મહિના દરમિયાન ઓપરેશન અમાનત અંતર્ગત રેલ મુસાફરીમાં ભૂલી જવાયેલો રૂ. 40,76,362 ની કિંમતનો સામાન 339 મુસાફરોને શોધીને પરત કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વિખૂટા પડેલા 24 બાળકો અને ઓપરેશન ડિગ્નિટીમાં વિપરીત સંજોગોમાં ભૂલા પડેલા ૮ મુસાફરોનું તેમના પરિવાર સાથે મીલન કરાવ્યું હતું.  આ ઉપરાંત ઓપરેશન રેલ સુરક્ષા અંતર્ગત રેલવે સંપત્તિને નુકસાન કરતા 81 ઈસમો, ટિકિટોના કાળાબજાર કરતા 13 વ્યક્તિઓ, મુસાફરોના સામાનની ચોરી કરતા 7 તસ્કરોને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.