રાજકોટની 156 વર્ષ જુની લેંગ લાઈબ્રેરીમાં સદી પુરાણા 4500 પૂસ્તકો ડીજીટાઈઝ કરાયા
- વિતેલા યુગના દસ્તાવેજો, ઈતિહાસને સુરક્ષિત રાખવા
- ઈ. 1856માં ઓરડાંમાં શરૂ થઈ : આજે 1.08 લાખ પૂસ્તકોનો ભંડાર
1863થી જ્યુબિલીમાં, ગાંધીજીના પિતા પણ તેના સંચાલનમાં હતા,
રાજકોટ, : રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં સૌથી જુના પૂસ્તકાલયોમાં અગ્રેસર અને આજે પણ માત્ર ગુજરાતી નહીં પણ ફારસી,સિંધી,હિન્દી,અંગ્રેજી,ઉર્દુ સહિત અનેક ભાષાઓના પ્રાચીન અને અર્વાચીન ૧,૦૮,૦૦૦ પૂસ્તકોનો શહેરમાં સૌથી સમૃધ્ધ ભંડાર ધરાવતી લેંગ લાઈબ્રેરીમાં વિતેલા યુગના પૂસ્તકોનું લખાણ મૂળ સ્વરૂપે સચવાઈ રહે તે માટે ૪૫૦૦ પૂસ્તકોને ડિજીટાઈઝ કરાયાનું સરકારી સૂત્રોએ જાહેર કર્યું છે.
ત્રણ સદીના વાંચકો જોનાર આ ઐતહાસિક લાઈબ્રેરી રાજકોટના ૧૮મી સદીમાં બૌધિક નાગરિકોએ ભેગા થઈને તા.૨૧-૪-૧૮૫૬ના સ્કૂલના એક ઓરડામાં ગુણગ્રાહક મંડળી પ્રારંભ કર્યો હતો. રાજકોટમાં અભ્યાસ કરનાર મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટ રાજ્યના દિવાન હતા અને તે સહિતના અનેક વિદ્વાનોએ આ પૂસ્તકાલયનું તે સમયે સંચાલન કર્યું હતું.
અંગ્રેજ શાસન વખતે તેને કોઠી કમ્પાઉન્ડમાં ખસેડાઈ હતી અને ઈ.સ.૧૮૯૩થી આજ સુધી સળંગ ૧૨૮ વર્ષથી આજે પણ અડીખમ એવા જ્યુબિલી ગાર્ડનના ઐતહાસિક બિલ્ડીંગમાં બેસે છે. આ જ ઈમારતને અડીને આવેલ કોમ્યુનિટી હોલમાં સૌરાષ્ટ્ર જ્યારે સ્વતંત્ર રાજ્ય હતું ત્યારે તેની વિધાનસભા બેસતી હતી.
રાજકોટની સૌથી જુની આ લાઈબ્રેરીમાં સમયના વહેણ સાથે અને હવામાનની અસર તળે અલભ્ય પૂસ્તકો અને તે સાથે અમૂલ્ય માહિતી નાશ ન પામે તે હેતુથી રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગની ગ્રાન્ટ અને મંજુરીથી આ પ્રોજેક્ટ રાજ્યમાં રાજકોટ ખાતે શરૂ કરાયો છે તે વાંચનપ્રેમીઓ માટે ખૂબ મહત્વનું છે તેમ ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણે જણાવ્યું હતું. સાડાચાર વર્ષમાં ૪૫૦૦ અલભ્ય પૂસ્તકોનું ડિજીટાઈઝેશન પૂર્ણ થયું છે અને કોમ્પ્યુટર પર તેનું યોગ્ય રીતે ઈન્ડેક્સીંગ પણ કરી દેવાયું છે. આ પૂસ્તકો ઓનલાઈન વાંચવા મળે તેવી વ્યવસ્થા પણ ભવિષ્યમાં કરાશે. ખાસ કરીને યુવાનો ઈ-પૂસ્તકમાં કી-વર્ડ નાંખવાથી પૂસ્તક સર્ચ કરી શકે તેવી વ્યવસ્થા થઈ રહી છે.
૮૦થી ૧૦૦ વર્ષ જુના અનેક પૂસ્તકો હવે સુરક્ષિત રીતે કોમ્પ્યુટરમાં કેદ થયા છે. ઈંગલેન્ડમાં પ્રવાસ જેવા પૂસ્તક તો ઈ.સ.૧૮૭૪ની સાલના છે.પૂસ્તકોની સાથે ઠાકોર સાહેબના ઓફિસ ઓર્ડર જેવા અનેક કિંમતી દસ્તાવેજો પણ સમાવી લેવાયા છે.
રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં મનપાએ ત્રણ આધુનિક લાઈબ્રેરીઓના નિર્માણ કર્યા છે જેમાં ૪૨ હજાર સભ્યો નોંધાયા છે. જ્યારે એક સમયે લેંગ લાઈબ્રેરી જ રાજકોટની મુખ્ય લાઈબ્રેરી હતી પરંતુ, હવે અન્ય લાઈબ્રેરીઓ વધવા છતાં હાલ તેના ૩૫૦૦ સભ્યો છે. પરંતુ, ઐતહાસિક સંદર્ભગ્રંથો માટે આ લાઈબ્રેરી જીજ્ઞાાસુઓ,અભ્યાસુઓ અને સંશોધનકર્તાઓ માટે અતિ ઉપયોગી મનાય છે.