ઇન્વેસ્ટર પાસે 48 લાખનું રોકાણ કરાવ્યું 95 લાખનો પ્રોફિટ બતાવ્યો. 3 લાખ પરત કરી 45 લાખનો ચુનો ચોપડયો
Vadodara Fraud Case : વડોદરામાં એક ઇન્વેસ્ટરને ફેક એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં મોટો પ્રોફિટ બતાવી 45 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
હરણી વારસીયા રીંગરોડની રાજધાની સોસાયટીમાં રહેતા રાકેશભાઈ બ્રહ્મભટ્ટે પોલીસને કહ્યું છે કે ગઈ 27 ફેબ્રુઆરીએ મીના જોશીના નામે ઇન્વેસ્ટમેન્ટ માટે એક મેસેજ મળ્યો હતો. ત્યારબાદ મને રેટ ફીન ટ્યુટોરિયલ 13 ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં મેં કોઈ રૂચી દાખવી ન હતી. પરંતુ થોડા સમય પછી મને જી 305 રેટ ફિન વેલ્થ રિવાઇવલ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો.
મેં આ ગ્રુપમાં મેસેજ જોયા બાદ ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા દર્શાવતા મારું સરનામું લઈ ઇન્વેસ્ટમેન્ટની એક બુક મોકલવામાં આવી હતી. ત્યારબાદ મને પાંચ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું. ઠગ ટોળકીએ તેમની કંપની મ્યુચ્યુઅલ ફંડની લે વેચ કરવાની હોવાની વાત કરી હતી.
મને લિંક મોકલ્યા બાદ મારી પાસે ડિજિટલ સહી લેવડાવી એક એકાઉન્ટ રજીસ્ટર કરવામાં આવ્યું હતું. જેમ અમે મારા આઈડી પાસવર્ડ નાખ્યા હતા. મારા એકાઉન્ટમાં 10-10 હજારના પ્રોફિટ જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મેં વધુ રકમ ઈન્વેસ્ટ કરી હતી અને મારા એકાઉન્ટમાંથી રકમ ઉપાડી પણ શકાતી હતી.
ઇન્વેસ્ટરે કહ્યું છે કે, મેં કુલ રૂ.48 લાખ જેટલી રકમ ભરપાઈ કરી હતી. જેની સામે મને 3 લાખથી વધુ રકમ પરત આપવામાં આવી હતી. મારા એકાઉન્ટમાં 95 લાખનો પ્રોફિટ દેખાતો હોવા છતાં 45 લાખ જેટલી રકમ ઉપાડી શકાતી નહીં હોવાથી મારી સાથે ફ્રોડ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.