Get The App

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા

સુરક્ષાની ખાત્રી તેમજ કેમ્પસમાં ૬૦ રેપિડ રિએક્શન સ્ટાફની ખાત્રી અપાતા રાત્રે હડતાળ સમેટાઇ

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ડોક્ટર પર હુમલા  પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા 1 - image

 વડોદરા,સયાજી હોસ્પિટલમાં   મૃતદેહ ડિકમ્પોઝ  થઈ જવાની ઘટનામાં ઉશ્કેરાટમાં પરિવારે ડોક્ટર પર  હુમલો કરતા રેસિડેન્ટ ડોક્ટરોએ સુરક્ષાની માગ સાથે હડતાળ શરૃ કરી છે.  આજે ૪૫ બાઉન્સરોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 

મૃતદેહ ડિકમ્પોઝ થતા ડોક્ટર પર થયેલા હુમલાના પગલે ડોક્ટરો દ્વારા હડતાળ શરૃ કરવામાં આવી હતી. જેના પગલે  ગાંધીનગરના આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારી, કલેક્ટર, જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.  ડોક્ટરોની મુખ્યત્વે ત્રણ માગણી હતી.  હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવામાં આવે, જે જગ્યાએ લાઈટો નથી ત્યાં લાઈટો લગાવવામાં આવે તેમજ જે સ્થળે સીસીટીવી નથી ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે. સયાજી હોસ્પિટલમાં આરોગ્ય સેવા ખોરવાય નહીં તે માટે પ્રોફેસરો પણ સારવારની કામગીરીમાં જોડાયા હતા. અધિકારીઓ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોને સમજાવવાની કોશિશ કરી  હતી.ગુરૃવારથી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.તેઓ ત્રણ શિફ્ટમાં ઓ.પી.ડી, સર્જિકલ, રૃક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહ, પી.એમ. રૃમ, ઈમર્જન્સી વિભાગ,એમ.આઇ.સી.યુ., એસ.આઇ.સી.યુ.  સહિતના સ્થળોએ સિક્યુરિટી જવાનોની  સાથે  ફરજ બજાવશે. મોડીરાત્રે ગાંધીનગરથી આવેલા એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન  પણ વડોદરા આવી ગયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ  અને ડોક્ટરો સાથે  ચર્ચા પછી કેમ્પસમાં ૬૦ રેપિડ  રિએક્શન સ્ટાફની ખાત્રી આપવામાં આવી હતી. તેમજ સીસીટીવી તાત્કાલિક ધોરણે શરૃ કરવાની તેમજ લાઇટો પણ લગાડવાની ખાત્રી આપવામાં આવતા  રાત્રે  હડતાળ સમેટાઇ ગઇ હતી. રેસિડેન્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે, અમારી તેમજ ટીચર્સ એસોસિએશનની પણ માગણી સ્વીકારી લેવાતા હડતાળ પરત ખેંચી છે.