Gujarat

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા

By GS TEAM
22 Dec 20252 mins read
શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા

- છેલ્લા સાડા 3 મહિનામાં સર ટી.હોસ્પિટલમાં

- કમોસમી વરસાદના લીધે સપ્ટેમ્બરમાં તાવના કેસો વધ્યા, હાલ શિયાળામાં શરદી-ઉધરસના દર્દીનો ઘસારો

ભાવનગર : શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆતની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. ઋતુ પરિવર્તન બાદ શહેરની સર ટી. હોસ્પિટલમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં લાલ દવાખાનામાં શરદી-ઉધરસના ૪૨૮ અને તાવના ૧૦૮૫ દર્દીઓ નોંધાયા છે. આગામી દિવસોમાં ઠંડી વધશે તેમ શરદી ઉધરસના કેસ વધે તેવી શક્યતાઓ તબીબોએ વ્યક્ત કરી છે.

ગોહિલવાડમાં છેલ્લા એકાદ પખવાડિયાથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઋતુમાં પરિવર્તનની અસર સીધી લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. શહેરની સર ટી.હોસ્પિટલમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર-૨૦૨૫થી ૧૫ ડિસેમ્બર સુધીના સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સર ટી.હોસ્પિટલમાં શરદી ઉધરસના ૪૨૫ દર્દીઓ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન તાવના ૧૦૮૫ દર્દીઓ નોંધાયા છે. સપ્ટેમ્બર માસમાં પડેલા કમોસમી વરસાદના કારણે બેવડી ઋતુની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી હતી. છેલ્લા સાડા ત્રણ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બરમાં તાવ અને શરદી-ઉધરસના સૌથી વધારે ૫૪૪ દર્દીઓ નોંધાયા હતા. હાલ ઠંડીનો ચમકારો ધીરે-ધીરે વધી રહ્યો હોવાથી શરદી-ઉધરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. નવેમ્બર મહિનામાં શરદી-ઉધરસના ૧૧૦ કેસ હતા. જેની સામે ડિસેમ્બરના ૧૫ દિવસમાં જ શરદી-ઉધરસના ૧૦૪ દર્દીઓ નોંધાયા છે. આગામી દિવસોમાં જેમ-જેમ ઠંડી વધશે તેમ શરદી-ઉધરસ ઉપરાંત તાવના દર્દીઓ વધશે તેવી શક્યતાઆ તબીબો વ્યક્ત કરી રહ્યાં છે.

મહિનો

સપ્ટેમ્બર

ઓક્ટોબર

નવેમ્બર

ડિસેમ્બર

કુલ

શરદી-ઉઘરસ

૧૩૪

૮૦

૧૧૦

૧૦૪

૪૨૮

તાવ

૪૧૦

૨૬૨

૨૭૫

૧૩૮

૧૦૮૫

કુલ

૫૪૪

૩૪૨

૩૮૫

૨૪૨

૧૫૧૩